(એજન્સી) પટણા, તા.૨
બિહારમાં ભારે વરસાદ અને પૂરનો મૃત્યુઆંક વધીને ૪૨ થઇ ગયો છે. વિનાશક પૂરથી લાખો લોકોને ભારે અસર થઇ છે. બિહાર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે પૂરમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને ૪૨ થઇ ગઇ છે અને અન્ય ૯ લોકો ઘવાયા છે. બિહારમાં કુદરતી આપત્તિએ એવી સ્થિતિ સર્જી છે કે શાસક પક્ષ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સભ્યોને પણ માઠી અસર થઇ છે. શાસક પક્ષ અને રાજ્ય સરકારના સભ્યોના ઘરોમાં પણ પૂરનાં પાણી ઘૂસી જવાથી તેમને સલામત સ્થળોએ ખસેડવા પડ્યા છે. આ લોકોમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની પાર્ટીના અજય આલોક અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી, એલજેપીના વડા રામ વિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાનનો સમાવેશ થાય છે. જ્યારે નીતિશ કુમારે પૂરગ્રસ્ત વિસ્તારોનું સોમવારે હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. દરમિયાન, બિહારમાં લાખો લોકોને અસર કરનારી કુદરતી આપત્તિના અપુરતા કવરેજ બદલ ભારતીય મીડિયાની આકરી ટીકા કરવામાં આવી રહી છે. પટણાના એક સ્થાનિકના વીડિયોમાં મુંબઇના વરસાદ અને કેરળના પૂરનું મીડિયા દ્વારા જેવી રીતે કવરેજ કરવામાં આવ્યું હતું, એવી રીતે બિહારના પૂરનું કવરેજ નહીં કરવા બદલ મીડિયા સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.