(એજન્સી) પટના, તા. ૩
બિહારમાં નીતિશ કુમારે ભાજપ સાથે સરકાર બનાવતાની સાથે જ પહેલીવાર ગૌરક્ષકોનો આતંક સામે આવ્યો હતો જેમાં ભોજપુર જિલ્લામાં એક ટ્રક ડ્રાઇવર અને બે અન્યને ગૌમાંસ લઇ જવાની શંકામાં ટોળા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ટોળાએ ટ્ર્‌ક ડાઇવર અને તેના બે સાથીઓને ઘાતકી રીતે માર્યા હતા. ટોળાએ બાદમાં મુઝફ્ફરપુર જઇ રહેલા આ વાહનને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ અનુસાર તેણે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટના આરા શહેરના શાહપુર નજીક બની હતી જ્યારે ટોળાએ એક ટ્રકને અટકાવી તેમાંથી ત્રણ લોકોને બહાર ઢસડી લાવ્યા હતા. ટોળાએ આ ટ્રકમાં કથિત ગૌમાંસ હોવાની શંકા દર્શાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટોળા પાસેથી છોડાવેલા ત્રણેય શંકાસ્પદોને પકડી લેવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ ચાલુ છે જેમાં તેઓ ગૌમાંસ લઇ જતા હતા કે, ભેંસનું માંસ લઇ જતા હતા. ટોળાએ એમ કહેતા આરા-બક્સર માર્ગ પર ચક્કાજામ કર્યો હતો કે, આરોપીઓને તેમને સોંપી દેવામાં આવે. જોકે, પોલીસે તેમની આ માગને ફગાવી દીધી હતી. પોલીસે એવું પણ જણાવ્યું હતું કે, ટ્રક ડ્રાઇવરે કહ્યું હતું કે, તે ભેંસનું માંસ લઇ જતો હતો અને તેની પાસે ગાયનું માંસ નહોતું.