(એજન્સી) પટણા, તા.૪
બિહારના ભોજપુર જિલ્લામાં ગૌમાંસની ગેરકાયદેસર હેરફેર કરવાના આક્ષેપો બદલ ગૌરક્ષકોએ ત્રણ વ્યક્તિઓને ઢોર માર મારી પોલીસને સોંપ્યા હતા. આ ઘટના પછી આરજેડીના લાલુપ્રસાદ યાદવે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે આનો સરકાર કેવી રીતે ઉકેલ લાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગૌરક્ષકો જો કાયદો હાથમાં લેશે તો એમની સામે સખ્ત પગલાં લઈશું. અમે જોઈશું કે કયા પ્રકારની કડક કાર્યવાહી સરકાર કરવા જાય છે. આરજેડી સાથે છેડો ફાડયા પછી અને ભાજપ સાથે જેડીયુએ સરકાર બનાવ્યા પછી ગૌરક્ષકો દ્વારા કરાયેલ આ પહેલા જ હુમલાની ઘટના બની છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજીવકુમારે જણાવ્યું કે રાની સાગર જિલ્લામાં આવેલ એક ગેરકાયદેસર કતલખાનામાંથી એક ટ્રક માંસ લઈ જઈ રહી હતી. કુમારે કહ્યું કે ગેરકાયદેસર ચાલી રહેલ કતલખાના સામે કડક પગલાં લેવામાં આવશે અને માંસને પરીક્ષણ માટે મોકલાશે. સીપીઆઈએમના નેતાએ જણાવ્યું છે કે, બિહારમાં ભાજપ સત્તામાં આવતાની સાથે જ ગૌરક્ષકો સક્રિય થઈ ગયા છે. પક્ષના નેતા સીતારામ યેચૂરીએ જણાવ્યું કે આનાથી પુષ્ટિ થાય છે કે બિહારમાં ભાજપની સરકાર છે. હવે ફકત હિન્દુત્વ એજન્ડાઓ ધરાવતી નીતિઓનું જ અમલ થશે. ભાજપના સત્તામાં આવવાથી હવે રાજ્યમાં ટોળાકીય હત્યાઓ અને હિંસાઓ બિહારમાં જોવા મળશે.