(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
બિહારમાં પૂરના કારણે મોતનો આંકડો વધીને હવે ૩૪૧ ઉપર પહોંચી ગયો છે. વધુ ૩૭ લોકોનાં મોત થઇ ચૂક્યા છે. રવિવાર સુધી મોતનો આંકડો ૨૫૩ હતો જે હવે ૩૪૧ના આંકડાને પાર કરી ગયો છે. બિહારમાં ૧.૪૬ કરોડથી વધુ લોકોને પૂરની અસર થઇ છે. નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીએ જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૬મી ઓગસ્ટના દિવસે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. માઠી અસર થઇ છે. આસા અને ઉત્તરપ્રદેશમાં વધુ ૧૦ લોકોનાં મોત થયા છે. જેથી મૃતાંક વધીને ૮૨ ઉપર પહોંચ્યો છે. આસામમાં મૃતાંક વધીને બીજા તબક્કામાં ૭૦ ઉપર પહોંચ્યો છે. આવી જ રીતે બંગાળમાં પૂરમાં ૧૯૨ લોકોનાં મોત થઇ ચૂક્યા છે. બિહારમાં ૭.૬૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. હજુ ૧.૩૮ કરોડ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ૨૦૩ સ્ટેટ હાઈવેને નુકસાન થયું છે. ૩.૨૭ લાખ લોકોને ૧૩૩૬ રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ આસામમાં પણ સ્થિતિ વિકટ બનેલી છે. આસામમાં પૂરના બીજા મોજામાં મોતનો આંકડો વધીને ૭૦ ઉપર પહોંચી ગયો છે. પૂરના પ્રથમ મોજામાં મોતનો આંકડો ૮૫ નોંધાયો હતો. હવે પૂરના બે મોજામાં આસામમાં મોતનો આંકડો વધીને ૧૫૫ ઉપર પહોંચી ગયો છે. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ બિહારના ૧૮ જિલ્લામાં ૧.૪૬ કરોડથી વધુ લોકોને માઠી અસર થઇ છે. પૂરના તાંડવ બાદ મોટા ભાગની પરીક્ષા રદ કરવામાં આવી ચૂકી છે. સાથે સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. સમસ્તીપુર ડિવિઝનમાં ટ્રેન સેવાને માઠી અસર થઇ છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ઇસ્ટ સેન્ટ્રલ રેલવે હેઠળ સમસ્તીપુર ડિવિઝનમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે. રેલવે લાઇન અને સિગ્નલિંગ વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. પશ્ચિમી ચંપારન જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. અહીં ૩૬ લોકોનાં મોત થઇ ચુક્યા છે. અરરિયા જિલ્લામાં સૌથી વધુ ૭૫ લોકોનાં મોત થયા છે. સિતામઢીમાં ૩૬ લોકોનાં મોત થયા છે. કટિહારમાં ૨૬, પૂર્વ ચંપારન જિલ્લામાં ૧૯, મધુબાનીમાં ૨૨ લોકોના મોત થયા છે. કિશનગંજમાં ૨૩ લોકોના મોત થયા છે. દરભંગા અને માધેપુરામાં ૧૯-૧૯ લોકોનાં મોત થયા છે. સુપૌલમાં ૧૫, ગોપાલગંજમાં ૧૪, પુરણિયામાં ૯, મુઝફ્ફરપુરમાં સાત, ખગરિયામાં ૬, સારનમાં ૬, સહરસામાં ૪, સિઓહારમાં ચારના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકોને અસર પણ થઇ છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં ૧૩૫૮ રાહત કેમ્પ ચાલી રહ્યા છે. જેમાં ૩.૨૭ લાખ લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૨૮ ટીમો છે. જેમાં ૧૧૫૨ કર્મચારીઓ સામેલ છે. ૧૧૮ બોટ પણ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં પુરની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. પૂરના બીજા દોરમાં જે ૭૦ લોકોનાં મોત થયા છે તે પૈકી મોરીગાવમાં સૌથી વધારે ૧૨ લોકોનાં મોત થયા છે. મોરીગામમાં ૫.૨૧ લાખ લોકોને અસર થઇ છે. હાલમાં ૧૪૯૩ ગામો પૂરના પાણીમાં છે. .૧૫ લાખ હેક્ટર પાક ભૂમિને નુકસાન થયુ છે. કોકરાઝારમાં નવ અને ધુબરીમાં નવ લોકોના મોત થયા છે. બોન્ગાઇગામમાં સાત લોકોનાં મોત થયા છે. આની સાથે જ એકંદરે આ વર્ષે પુરનો આંકડો આસામમાં ૧૫૫થી પણ ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં ૧૬ જિલ્લાઓમાં ૨૨ લાખ લોકો સકંજામાં છે. હાલમાં ૨૫૮૯ ગામો પૂરના પાણીમાં છે અને ૧.૬૭ લાખ હેક્ટર પાક ભુમિને નુકસાન થઇ ચૂક્યું છે. ૨૨ લાખ લોકોને અસર થઇ છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે ધેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૧૬ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા.