નવી દિલ્હી,તા. ૨૧
બિહાર અને આસામમાં પુરની સ્થિતી હજુ પણ યથાવત રીતે ચિંતાજનક બનેલી છે. બિહારમાં વધુને વધુ વિસ્તારો પુરના સકંજામાં આવી રહ્યા છે. આજે મોતનો આંકડો વધીને ૨૫૪ ઉપર પહોંચી ગયો હતો. ગઇકાલ સુધી મોતનો આકડો ૨૦૨ હતો. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ વધુ બાવન લોકોના મોત થઇ ગયા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લામાં બચાવ અને રાહત કામગીરકી ચાલી રહી છે. બીજી બાજુ આસામમાં પણ સ્થિતી વિકટ બનેલી છે. આસામમાં પુરના બીજા મોજામાં મોતનો આંકડો વધીને ૬૩ ઉપર પહોંચી ગયો છે. પુરના પ્રથમ મોજામાં મોતનો આંકડો ૮૫ નોંધાયો હતો. હવે પુરના બે મોજામાં આસામમાં મોતનો આંકડો વધીને ૧૫૨ ઉપર પહોંચી ગયો છે. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ બિહારના ૧૬ જિલ્લામાં એક કરોડ લોકોને માઠી અસર થઇ છે. પુરના તાંડવ બાદ મોટા ભાગની પરીક્ષા રદ કરવામા ંઆવી ચુકી છે. સાથે સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બિહારમાં મોતનો આંકડો વધીને બુધવાર સુધી ૭૨ હતો જે હવે ઝડપથી વધીને ૨૫૪ ઉપર પહોંચ્યો છે. ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. મુખ્યમંત્રી નીતિશકુમારે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે મળીને હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આજે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું, સમસ્તીપુર ડિવિઝનમાં ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ઇસ્ટ સેન્ટ્રલ રેલવે હેઠળ સમસ્તીપુર ડિવિઝનમાં ઘુટણ સુધી પાણી ભરાયેલા છે. રેલવે લાઇન અને સિગ્નલિંગ વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. પશ્ચિમી ચંપારન જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. અહીં ૨૯ લોકોના મોત થઇ ચુક્યા છે. અરરિયા જિલ્લામાં સૌથી વધુ ૫૭ લોકોના મોત થયા છે.