(એજન્સી) નવી દિલ્હી/પટના/લખનઉ, તા. ૩૦
છેલ્લા ચાર દિવસથી દેશભરમાં વરસાદી ઘટનાઓમાં આશરે ૧૪૦થી વધુનાં મોત થયા છે જેમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૯૫ લોકોનાં મોત થયા છે જ્યારે બિહારમાં પણ વરસાદ અને પૂરને કારણે કફોડી હાલત છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજધાની પટનામાં તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકો પોતાની જીવન જરૂરી કામ પુરા કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસુ પરત જવામાં હજુ સમય લાગી શકે છે. બિહાર સહિત ઉત્તરપ્રદેશ અને ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદી પ્રકોપ જારી છે જ્યારે મોટાપાયે પાણી ભરાવાની ઘટનાઓથી રેલવે, ટ્રાફિક, સ્વાસ્થ્ય સેવાઓને માઠી અસર પહોંચી છે. બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદના પ્રકોપને કારણે પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે એનડીઆરએફની સેંકડો ટીમો કામે લગાડાઇ છે. ૨૭ સપ્ટેમ્બરથી રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી ઘટનાઓમાં યુપીમાં અત્યારસુધી ૯૫, બિહારમાં ૨૯ અને ગુજરાતમાં ત્રણ મહિલાઓ પાણીમાં તણાઇને મોતને ભેટી છે, બીજી તરફ ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે શનિવારે જ ૧૩ મોત થયા હતા.

બિહારમાં વરસાદી પ્રકોપથી ૨૯નાં મોત, કેન્દ્રની મદદ મગાઇ

(એજન્સી) પટના, તા. ૩૦
બિહારમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અવિરત વરસાદથી વિવિધ ઘટનાઓમાં ૨૯ લોકોનાં મોત થયા છે જેમાં પાટનગર પટનાની પણ સ્થિતિ અત્યંત ખરાબ છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કરી જણાવ્યું છે કે, મંગળવારે પણ પટના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પટનાના કલેક્ટર કુમાર રવિએ સોમવાર અને મંગળળાર ે તમામ શાળાઓ તથા કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. રાજ્યના ૩૮ જિલ્લાઓના શહેરો, ગામો, નગરપાલિકાઓ અને શેરીઓ બેટમાં ફેરવાઇ જવાને કારણે રાજ્ય સરકારે લેખિતમાં કેન્દ્ર સરકારની મદદ માગી છે.
અધિકારીઓ અને સચિવો અનુસાર લોકોને પૂરમાંથી બચાવવા અને ફૂડ પેકેટ તથા દવાઓ ફેંકવા માટે ભારતીય એરફોર્સ પાસેથી બે હેલિકોપ્ટર માગવામાં આવ્યા છે. આઇએએફના હેલિકોપ્ટર્સ પટના આવી ગયા હતા જેમાં એકને પટનામાં ઉપયોગમાં લેવાશે જ્યારે બીજાને ઉત્તર બિહારના અન્ય ભાગો માટે ઉપયોગમાં લેવાશે. રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી કાઢવા માટે કોલસા મંત્રાલયને પણ પત્ર લખ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય સચિવ પ્રત્યય અમિતે આ મુદ્દે કોલસા મંત્રાલયને વાત કરી છે. મંત્રાલયે સોમવારે પમ્પો મોકલવાની બાંયધરી આપી છે. રાજ્ય બાબતોના કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની આશરે ૨૦ ટીમ મોકલવામાં આવી છે. આ ટીમે અન્ય એજન્સીઓ સાથે મળીને બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગૃહ બાબતોનું મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે જ્યાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે.
પૂર્વ મધ્ય રેલવેના પ્રવક્તા રાજેશ કુમારે જણાવ્યું હતું કે, તેમણે ૫૪ ટ્રેનોને રદ અથવા ડાયવર્ટ કરી છે તથા નાના અંતરની નવ ટ્રેનોને રદ કરી છે. બિહારના પાટનગર પટના અને અન્ય જિલ્લાઓમાં ટ્રેનોના પાટા ધોવાઇ ગયા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ભારે વરસાદને પગલે મોબાઇલ ફોન નેટવર્કને પણ ભારે અસર થઇ છે. પટનામાં કેટલાક ભાગોમાં ચારથી છ ફૂટ જેટલા પાણી ભરાયા છે. પાટનગરના ડાક બંગલા ચૌરાહા, એનએમસીએચ અને અન્ય ભાગોમાં છાતી સમા પાણી ભરાયા હતા. રાજેન્દ્ર નગર, રામક્રિષ્ના નગર, કાંકરબાગ, બોરિંગ રોડ, નાલા રોડ, ગાંધી મેદાન, દાનાપુર અન ગોલા રોડ સહિતના પટનાના પોશ વિસ્તારોમાં પણ ભારે પૂરની સ્થિતિ સર્જાઇ છે. પાટલીપુત્ર કોલોની અને કુરજી જેવા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. પૂર્વ સિનિયર અમલદારોએ કહ્યું છે કે, પટનામાં ૧૯૭૫થી પાણી ભરાવાની આવી સમસ્યા સર્જાઇ નથી. એનડીઆરએફે પટનાના કેટલાક ભાગોમાંથી રવિવારે આશરે ૨૩૨ લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. અહીંના રહેવાસીઓને મ્યુનિસિપલના ક્રેનથી પણ બચાવાયા હતા. બીજી તરફ બજારો અને દુકાનો સંપૂર્ણપણે બંધ રહેવાથી દવાઓ અને જરૂરી વસ્તુઓ મળવાનું મુશ્કેલ બન્યું છે. બજારોમાં પણ ભારે પાણી ભરાતા ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. સોને નદી પર આવેલા ઇન્દ્રપુરી બેરેજમાંથી ૨.૭૫ લાખ ક્યૂસેક પાણી છોડાતા ગંગાની નદીની સ્થિતિ વધુ ખરાબ બની છે જે સીધી પટનાને અસર કરે છે. પાણી બાબતોના મંત્રી સંજયકુમાર ઝાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેમને તમામ રાહતો પુરી પાડવાના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂરની ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રને જરૂરી મદદ પુરી પાડવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે રાજ્ય એકમના પાર્ટી નેતાઓ, પાર્ટીના સંગઠનના કાર્યકરો અને કોંગ્રેસનાસક્રીય કાર્યકરોને મુશ્કેલી ભોગવી રહેલાલોકોની મદદ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની દહેશત છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ મોહાપાત્રાએ જણાવ્યું કે, વર્ષ ૧૯૬૦ બાદથી એવું જોવામાં આવ્યું છે કે છેલ્લા બે વર્ષથી ઓક્ટોબરના મધ્ય સુધી વરસાદ ચાલુ રહ્યો હોય. સામાન્ય રીતે ચોમાસુ ૧ જુનથી શરૂ થઇને ૩૦મી સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે.

મોદીના મંત્રીએ પૂરપીડિતોની લાગણી દુભાવી, તબાહી માટે ‘નક્ષત્ર’ને જવાબદાર ગણાવ્યું

બિહારમાં વરસાદ અને પૂરે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદથી અત્યારસુધી મોતનો આંકડો ૨૯ને પાર થઇ ગયો છે. સ્થિતિ એવી છે કે, હવે પાટનગર પટનાના માર્ગો પર વાહનોને બદલે હોડીઓ ચાલી રહી છે આવા સમયે મોદીના મંત્રી અશ્વિની ચૌબેએ આ માટે હથિની નક્ષત્રને જવાબદાર ગણાવ્યું છે. ચૌબેએ કહ્યું છે કે, બિહારમાં છેલ્લા ઘણા દિવસથી જે વરસાદ થઇ રહ્યો છે તે હથિયા નક્ષત્રના વરસાદથી ક્યારેક ગંભીર સ્થિતિ થઇ જાય છે. બિહારમાં તેણે કુદરતી આફતનું રૂપ લઇ લીધું છે. અમે સતત રાજ્ય સરકારના સંપર્કમાં છીએ. ચૌબેના આ નિવેદન સામે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડીના નેતા તેજ્વી યાદવે કટાક્ષ કર્યો છે અને લખ્યું છે કે, પટના શહેરમાં છેલ્લા ૧૫ વર્ષથી મેયર, પાંચ ધારાસભ્ય, પાંચ સાંસદ ભાજપના જ છે. બિહારમાં ૧૫ વર્ષથી એનડીએની સરકાર છે. હવે પાણી ભરાવા માટે નીતિશ કુમાર અને સુશીલ કુમાર મોદીએ મુઘલો, જવાહરલાલ નહેરૂ, લાલુ યાદવ, હવામાન, કુદરત અને નક્ષત્રને દોષ આપવો જોઇએ. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ગંગા મૈયા અને કુદરતી આફતને જવાબદાર ઠેરવી હતી. તેમણે હવામાન વિભાગને પણ ખોટી માહિતી નહીં આપવા માટે આક્રોશ ઠાલવ્યો હતો.