(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મંગળવારે સાંજ ફોન કર્યો હતો. અને લાલુના પુત્ર તેજસ્વી યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો વિશે વાત કરી હતી. સૂત્રોએ કહ્યું કે રાહુલે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમાર સાથે વાત કરી હતી. સૂત્રોએ ઉમેર્યું કે નીતિશ કુમાર આગામી થોડા દિવસોમાં ગાંધીને મળી શકે છે. બીજા એક રિપોર્ટ અનુસાર, જ્યારે રાહુલ ગાઁધી વિદેશ પ્રવાસે હતા ત્યારે પણ તેમણે નીતિશ કુમારને ફોન કર્યો હતો. પરંતુ તે વખતે નીતિશ કુમારની તબિયત સારી નહોતી. તેમની બન્નેની વચ્ચે ઘણા મુદ્દે વાતચીત થઈ હતી. આ દરમિયાન રાહુલે નીતિશને ઉપરાષ્ટ્રપતિ માટે ગોપાલકૃષ્ણ ગાંધીના નામનુ સૂચન કર્યું હતું. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી આવતે અઠવાડિયે વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવી રહ્યાં છે અને તેઓ નીતિશ કુમારને અલગ મળવાના છે. નીતિશ કુમારે એવી જાહેરાત કરી છે કે તેઓ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ટેકો આપશે.