પટના, તા. ૨૬
બિહારના મુખ્યપ્રધાન પદેથી નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે અને તેઓએ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીના નિવાસે જઇ સત્તાવાર રીતે પોતાનું રાજીનામું સોંપે દીધું છે. નીતિશ કુમારે જદયુના ધારાસભ્યો સાથે બેઠક બાદ પદ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના રાજીનામા મુદ્દે રાજદ સાથે કોઇ સમજૂતી ન સધાયા બાદ નીતિશ કુમારે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ બિહારમાં ૨૦ મહિનાની સરકારનો અંત આવી ગયો હતો. આ પહેલા રાજદના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે તેજસ્વી યાદવ કોઇ પણ કાળે રાજીનામું નહીં આપે અને નીતિશ કુમાર તેમને રાજીનામા માટે ન કહી શકે તેવું સ્પષ્ટ વલણ આપ્યું હતું. લાલુ યાદવે એમ પણ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે તેમને કોઇ વિવાદ નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નીતિશ સાથે મારી એક દિવસ પહેલા જ વાત થઇ હતી અને અફવાઓ મીડિયા ફેલાવી રહ્યું છે.
આ પહેલા દિવસ દરમિયાન તેજસ્વી અને તેમના પિતા બંનેએ ફક્ત આરોપોને પગલે ઉપ મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇના દરોડા બાદ બિહારના રાજકારણમાં કોઇ પણ દિવસે ભૂકંપ આવે તેવા સંકેત પહેલાથી જ આવી રહ્યા હતા. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ મુખ્યમંત્રીની અપીલ પર પોતાના પ્રસ્તાવિત પ્રવાસને પણ રદ કરી દીધો હતો. દરમિયાન લાલુ પ્રસાદ પણ કોર્ટમાં હાજર થવા માટે રાંચી જવાના હતા પરંતુ કેટલાક કલાકો માટે પોતે પટનામાં જ રોકાઇ ગયા હતા. નોંધનીય છે કે, લાલુપ્રસાદના પક્ષની બિહારમાં સૌથી વધુ બેઠકો છે અને ત્યારબાદ જદયુનો નંબર આવે છે પછી ત્રીજા નંબરે કોંગ્રેસની બેઠકો છે. હવે એ જોવાનું રહેશે કે, નીતિશ કુમાર ભાજપ સાથે મળીને ફરી સરકાર રચવાનો દાવો કરશે કે પછી આરજેડી અને કોંગ્રેસ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મારવાના પ્રયાસ કરશે.
૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભાની સ્થિતિ

જેડીયુ – ૭૧
આરજેડી – ૮૦
ભાજપ – ૫૩
કોંગ્રેસ – ૨૭
એલજેપી – ૨
આરએલએસપી – ૨
અન્ય – ૮

અંતરાત્માનો અવાજ સાંભળી રાજીનામું આપ્યું : નીતિશકુમાર
નીતિશ કુમારે પોતાનું રાજીનામું આપ્યા બાદ લાલુ સહિત સમગ્ર વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેઓ પોતના તરફથી પ્રયાસો કરીને થાકી ગયા પરંતુ તેજસ્વી પર લાગેલા આરોપો અંગે આરજેડીએ સ્પષ્ટતા કરી જ નથી. આવા સમયે મેં મારા અંતરાત્માનો અવાજ સાંભળી રાજીનામું આપ્યું છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, તેમની સામે અન્ય ઘણા માર્ગો ખુલ્લા છે. જેટલું સંભવ હતું તેટલંુ અમે ગઠબંધન ધર્મનું પાલન કરતા તે પ્રમાણે કામ કરવાના પ્રયાસ કર્યા હતા.તેમણે કહ્યું કે, બિહારમાં સામાજિક પરિવર્તનનો પાયો નાખ્યો, દારૂબંધી લાગુ કરી અને પહેલાથી ચાલી રહેલી યોજનાઓને આગળ વધારી. તેમણે કહ્યું કે, રાજ્યપાલ સાથે મુલાકાત પહેલા જ લાલુ પ્રસાદ અને કોંગ્રેસને તેની જાણ કરી દીધી હતી. આ સાથે જ નીતિશે ચાલાકીથી ગઠબંધન તૂટવાનો ઠીકરો લાલુપ્રસાદ અને કોંગ્રેસ પર ફોડી દીધો હતો. તેમણે કહ્યું કે, ત્રીજા ભાગની સરકાર ચાલી ગઇ આ દરમિયાન જે માહોલ બન્યો તેમાં મારા માટે સરકાર ચલાવવી સંભવ નહોતી. મેં ગઠબંધન બચાવવાના તમામ પ્રયાસો કર્યો અને કોઇની પાસે રાજીનામું માગ્યું નથી. અમારી લાલુ અને તેજસ્વીસાથે વાત થઇ ત્યારે અમે એટલું જ કહ્યું કે, જે આરોપ લાગ્યા છે તેના પર સ્પષ્ટતા કરો.સામાન્ય જનતા વચ્ચે જ છબિ બની છે તેને ચોખ્ખી રાખવા માટે સ્પષ્ટતા કરવી જરૂરી છે. પરંતુ આમ પણ ન થયું તેથી મારા માટે સરકાર ચલાવવી મુશ્કેલ બની ગઇ હતી. ગઠબંધન ધર્મનું પાલન કરવા છતાં સમગ્ર મામલે નજર નાખી તો અંતરાત્માથી એ જ અવાજ આવ્યો કે, હવે એવું ન ચાલી શકે.
મોદીએ ટિ્‌વટ કરીને નીતિશ તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો

બિહારના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યાની જાહેરાત બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇમાં જોડાવા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ રીતે વડાપ્રધાન મોદીએ નીતિશ તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. આવા સમયે બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર બનવાના સંકેત મળવાના શરૂ થઇ ગયા છે. મોદીએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇમાં જોડાવા માટે નીતિશ કુમારને અભિનંદન. ૧૨૫ કરોડ નાગરિકો ઇમાનદારીનં સ્વાગત કરી રહ્યા છે. મોદીએ બીજી ટિ્‌વટમાં જણાવ્યું કે, દેશના, વિશેષ કરીને બિહારના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક થઇને લડવું આજના સમયની માગ છે.

નીતિશનાં રાજીનામા બાદ બિહારમાં રાજકીય સંભાવનાઓ
લાંબી રાજકીય હલચલ બાદ નીતિશ કુમારેઆખરે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામંું આપી દીધું તેની સાથે જ રાજ્યમાં સત્તા પરિવર્તનની જો તોની સંભાવનાઓ સપાટી પર આવી છે. જેડીયુ, આરજેડી અને કોંગ્રેસની મહાગઠબંધનવાળી સરકાર પડી ભાંગતા ઘણી સંભવનાઓ આકાર લઇ રહી છે. ૨૪૩ સભ્યોવાળી વિધાનસભામાં સૌથી વધુ ૮૦ બેઠકો લાલુ યાદવના પક્ષ રાજદની છે. નીતિશના જેડીયુ પાસે ૭૧ બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે ૨૭ બેઠકો છે. બીજી તરફ ભાજપ પાસે ૫૩ બેઠકો અને તેના સહયોગી એલજેપી અને આરએલએસપીના બે-બે ધારાસભ્યો છે. જ્યારે બહુમતી માટે ૧૨૨ સભ્યોની જરૂર પડશે જે ભાજપ અને નીતિશના પક્ષને સમાવિષ્ટ કરતા મળી જાય છે. જેથી નીતિશ કુમાર ભાજપ સાથે મળી સરળતાથી સરકાર ચલાવી શકે છે. બીજી તરફ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ સાથે નીતિશ કુમાર કોઇ પક્ષનું સમર્થન ન લે અને મધ્યસત્ર ચૂંટણી કરાવી પોતાની છબિને આગળ ધરી એકલા હાથે સરકાર બનાવવાનું વિચારી શકે. જ્યારે નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે, આ પગલાને કારણે નીતિશનું પક્ષ મુશ્કેલીમાં પણ આવી શકે છે.