ગાંધીનગર, તા. ૭
મુખ્યમંત્રી નીતિશકુમાર ગુજરાત સરકાર તરફથી પાંચ કરોડની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. મહેસુલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પટણા ખાતે ચેક અર્પણ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગુજરાતમાં બચાવ અને રાહત કાર્યની નીતિશકુમારે પ્રશંસા કરી હતી. બિહારમાં અતિવૃષ્ટિ અને પુરના કારણે સર્જાયેલી ભારે તારાજીના પગલે ત્યાંના અસરગ્રસ્તોને સહાયરુપ બનવા ગુજરાત સરકારે નિર્ણય કર્યા બાદ મહેસુલ મંત્રી ચુડાસમા પટણા પહોંચ્યા હતા. તેઓએ નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની મુલાકાત લીધી હતી. બિહાર પુર રાહત ફંડમાં પાંચ કરોડની આર્થિક સહાયનો ચેક આપ્યો હતો. તેમજ મુખ્યમંત્રી રૂપાણીનો પત્ર નીતિશકુમારને આપ્યો હતો. સુશીલ કુમાર મોદી અને નીતિશકુમારે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી પુરની સ્થિતિ તારાજી છતાં ગુજરાતના વહીવટીતંત્રએ કરેલી બચાવ અને રાહત કામગીરીની વિગતો ચુડાસમા પાસેથી મેળવી હતી. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા નિર્ણયો અને પગલા અંગે પણ પારસ્પરિક માહિતી લેવામાં આવી હતી.