(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
હાલમાં કેન્દ્ર સરકારે જે નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સિટીઝન (એન.આર.સી.) તથા સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સી.એ.એ.) લોકસભા અને રાજ્યસભામાં પસાર કર્યું તે બીલનો સમગ્ર ભારતમાં વિરોધ થઇ રહ્યો છે અને તે બીલ ભારતમાં વર્ષોથી રહેતા મુસ્લિમ સમાજના વિરૂદ્ધમાં છે, તેવું તે બીલ જોતા લાગી રહ્યું છે. આ બીલથી ભારતમાં વસતા મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો સરકારનો મનસુબો જાહેર થાય છે. આ બીલથી સમગ્ર ભારતના નાગરિકોના સમાન હક્કના અધિકાર ઉપર તરાપ સમાન છે. આ સંદર્ભે વર્સેટાઇલ માઇનોરીટીઝ ફોર્મે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હોવાનું પ્રમુખ ઇશતિયાક ઇશાક પઠાણએ જણાવ્યું હતું.
વધુમાં મળતી માહિતી મુજબ અગાઉ માત્ર આસામ માટે નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સિટીઝન (એન.આર.સી.) બનાવવામાં આવ્યું હતું. પરંતુ તે બીલથી ભાજપને ધારેલી રાજકીય સફળતા મળે તેમ ન હતું અને તેના મતદારોના નામો કમી થઇ જતા હતા તેથી તે બીલની જગ્યાએ તેવા સુધારો કરી સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સી.એ.એ.) લાવવામાં આવ્યું છે. ભારતનો હરહંમેશ રાજકીય એજન્ડા ભારતના મુસ્લિમો તથા અન્ય લઘુમતીઓના વિરુધ્ધ જ રહ્યો છે, અને તેના ભાગરૂપે આસામ તથા ભારતના પૂર્વોત્તર રાજ્યમાં મતદારો વચ્ચે બેલેન્સ કરવા તેઓએ નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સીટીઝન (એન.આર.સી.) બીલ મંજૂર કરાવેલ પરંતુ તેમાં ૧૯ લાખ જેટલા નાગરીકો ગેરકાયદેસર નાગરિક તરીકે ઠરેલા. તેમાં માત્ર છ લાખ જેટલા મુસ્લિમો હતા અને બાકીના બધા નોન મુસ્લિમ હતા અને જે ભાજપના મતદારો હતા તેવું ભારત સરકાર માને છે. તેથી તેમનું નામ મતદાર યાદીમાંથી અને નાગરિક તરીકે કમી થઇ જતું હતું. તે ૧૩ લાખ નાગરિક કે જે નોન મુસ્લિમ હતા તેમને નાગરિક તરીકે નાગરિકત્વ આપવા માટે અને મુસ્લિમોને ગેરકાયદેસર નાગરિક ઠરાવવા વેસ્ટેડ ઇન્ટ્રેસ્ટથી સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સી.એ.એ.) લાવવામાં આવ્યું છે. તેમાં સુધારો કરીને મુસ્લિમ સિવાયના તમામ ધર્મના લોકોને ભારતનો નાગરિક બનાવવાની જાહેરાત કરી છે. આ બીલ ભારતના બિનસાંપ્રદાંયિક બંધારણીય વિરુધ્ધ છે. ભારતના બંધારણમાં બધાને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેમાં કોઇપણ વ્યક્તિ સાથે ધર્મ કે જાતિના આધારે ભેદભાવ કરવાનો નિષેધ ફરમાવ્યો છે. આ બીલમાં જે જોગવાઇઓ છે. તે મુજબ કોઇપણ વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે છે. માત્ર મુસ્લિમો જ નહી જે બંધારણની જોગવાઇઓની વિરુધ્ધ છે આ બીલથી સમગ્ર ભારત દેશમાં નાગરિકો વચ્ચે ભાગલા પડશે અને કૌમી વૈમન્શ્ય થશે. આ બીલ પહેલા માત્ર આસામ અને પૂર્વોત્તર રાજ્યો માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેનો અમલ સમગ્ર ભારતમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ભારતના ૭ જેટલા રાજ્યોએ આ બીલોનો વિરોધ કરીને તેનો અમલ કરવાની ના પાડી છે. આ બીલનો સૌથી વધુ વિરોધ આસામ અને પૂવોત્તર રાજ્યોમાં થઇ રહ્યો છે. ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી થઇ છે. લોકો સડક પર આવીને આંદોલન કરી રહ્યાં છે, આંદોલન હિંસક બની ગયેલ છે. પોલીસે ત્યાં ગોળીબાર કરવો પડે છે, કરફ્યુ લાગ્યો છે, ગોળીબારથી ઘણા નાગરિકોના મૃત્યુથયા છે, ઘણા ઘાયલ થયા છે અને સરકારી અને બિન-સરકારી મિલ્કતોમાં તોડફોડ અને આગજની કરીને તેને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. એટલી હદ સુધી ત્યાંના નાગરિકો આ બીલની વિરુધ્ધમાં છે.જો આ બીલથી આસામ અને પૂર્વોત્તર રાજ્યમાં આટલો વિરોધ થતો હોય તો સમગ્ર ભારતમાં કેટલો બધો વિરોધ થશે તેવી કલ્પના કરવી રહી. આ ગેરબંધારણીય અને નાગરિકો વચ્ચે ભેદભાવ ઉભા કરતા બીલનો આંતર રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લઇ વિરોધ થઇ રહ્યો છે તેવા સંજોગોમાં મુસ્લિમ લોકોને નુકશાન કરતા અને દેશની એકતા અખંડીતતા બીન સાંપ્રદાયીકતા અને નાગરિકોના મૂળભૂત અધિકારીને નુકશાન કરતા તથા ભારતના સરક્યુલર કોન્સીટ્યુશનના આત્માની હત્યા કરતા આ બીલને તાત્કાલીક અસરથી પાછી ખેંચવા વર્સેટાઇલ માઇનોરીટીઝ ફોર્મના પ્રમુખ ઇશતિયાક ઇશાક પઠાણએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરીહોવાનું જાણવા મળે છે.