ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્રો ભરવા પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. પક્ષોએ જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા તેઓએ અને અપક્ષ ઉમેદવારોએ તેમના ટેકેદારો અને સમર્થકો સાથે વાજતે-ગાજતે જઈ ફોર્મ ભર્યા હતા. દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાઈકલ પર બેસી ફોર્મ ભરવા ગયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં મ્યુનિ. કાઉન્સિલરો, કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા અને બહુમતીથી ગ્યાસુદ્દીન શેખ જીતશે જો આશા વ્યકત કરી હતી એ જ રીતે જમાલપુર બેઠક પરથી સૌના  આશ્ચર્ય વચ્ચે કોંગ્રેસે અપક્ષ મ્યુનિસિપલ કાઉન્સિલર ઈમરાન ખેડાવાલાને મેન્ટેડ આપતાં તેઓએ તેમના મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જઈ ઉમેદાવરીપત્ર ભર્યું હતું જ્યારે છેક સુધી જમાલપુર બેઠકના કોંગ્રેસના મજબૂત દાવેદાર ગણાતા સાબિર કાબલીવાલાની અંતિમ  ક્ષણે ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં રોષ ફેલાયો હતો. આથી રોષે ભરાયેલા કાબલીવાલાએ મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જઈ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.