કાંકરિયા રાઈડ દુર્ઘટના મામલે અમદાવાદના મેયર બિજલ પટેલ તમામ જવાબદારી આર એન્ડ બી વિભાગ અને પોલીસ પર ઢોળી રહ્યા છે. ત્યારે આર એન્ડ બી વિભાગે મેયરના આરોપોને ફગાવ્યા હતા. આર એન્ડ બી વિભાગે કહ્યું કે, અમારી જવાબદારી ફક્ત લાઈસન્સ ઈશ્યૂ કરવાની છે, રૂટિન ચેકિંગ કરવાની જવાબદારી સંચાલક અને સ્થાનિક તંત્રની હોય છે. અમારી વર્ષમાં એકવાર ફિટનેસ તપાસી સર્ટિફિકેટ આપવાની જવાબદારી હોય છે. ગત ડિસેમ્બરમાં તપાસ કરીને શરતોને આધીન સર્ટિફિકેટ આપ્યું હતું. દરમિયાન હાલ ઈજાગ્રસ્તો એલ.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેને પગલે આજે મેયર બિજલ પટેલ અને કોર્પોરેશનના અધિકારીઓએ દર્દીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મીડિયાએ મેયરને ઘટનાની જવાબદારી અંગે સવાલ કરતા મેયર ભડક્યા હતા અને જવાબદારીમાંથી છટકતા નિવેદનો કરી ચાલતી પકડી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કોર્પોરેશન પાસે કોઈ સત્તા નથી કે, આ મંજૂરી કોર્પોરેશન આપી શકે. કોર્પોરેશનની માત્ર જગ્યા છે, બાકી રાઈડ પ્રાઈવેટ ચાલે છે. ઘટનામાં કોર્પોરેશનની કોઈ જવાબદારી બનતી નથી. પોલીસ અને આર એન્ડ બી વિભાગની જવાબદારી છે. માત્ર એટલું જ નહીં, દર્દીઓની મુલાકાત સમયે મીડિયાને હોસ્પિટલમાં પ્રવેશ પણ આપ્યો નહોતો. આમ કાંકરિયા કાર્નિવલ યોજી વાહ વાહી લૂંટતું અને જગ્યાના ભાડાથી લઈ નફામાં ભાગ લેતું મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યું છે.