(એજન્સી) અલીગઢ, તા.પ
ગાંધીજયંતિની ઉજવણી નિમિત્તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં યોજાયેલ ફોટો પ્રદર્શનમાં મહાત્મા ગાંધી સાથે ઝીણાની તસવીરવાળો ફોટો પ્રદર્શિત કરવાની ઘટનાની યુનિવર્સિટીએ તપાસનો હુકમ આપ્યો છે.
યુનિવર્સિટીના સત્તાવાળાઓએ આ વિવાદાસ્પદ ફોટાને દૂર કરી લાયબ્રેરીયનને કારણ બતાવો નોટિસ પાઠવી છે. જે પ્રદર્શનના આયોજક હતા. પ્રદર્શનનો હેતુ મહાત્મા ગાંધીના જીવન ચરિત્રને રજૂ કરવાનો હતો.
ભાજપના સાંસદ સતીશ ગૌતમે પાકિસ્તાનના સ્થાપક ઝીણા અને મહાત્મા ગાંધીની સજોડે તસવીરને દૂર કરવાની માગણી કરી હતી. ત્યારબાદ ઘટનાની તપાસનો હુકમ અપાયો હતો. ગાંધીજી સાથે ઝીણાની તસવીર કેવી રીતે પ્રદર્શનમાં સામેલ કરાઈ તેની તપાસ સોંપાઈ છે. તે અંગે લાયબ્રેરીયનને નોટિસ પાઠવી જવાબ મગાયો છે. તેમ યુનિ.ના પ્રવકતા શૈફી કિડવાઈએ જણાવ્યું હતું.
યુનિવર્સિટી પરિસરમાં શાંતિ પ્રવર્તે છે ત્યારે તંત્ર કોઈ વિવાદ ઇચ્છતું નથી. ફક્ત શિક્ષણ તરફ અમારું લક્ષ્યાંક છે. ગાંધીજી અને ઝીણાની સાથે તસવીરવાળા ફોટા દૂર કરાયા હતા. યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની કચેરીમાં ઝીણાની તસવીર અંગે મેમાં વિવાદ થયો હતો.