(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧પ
જૂનાગઢમાં ભેંસાણ ચોકડી પાસે કામ ઉપરથી આવી રહેલા પિતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં પિતાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જો કે કારચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢમાં પ્લાસ્ટિકના પાઈપ બનાવતા કારખાનામાં કામ કરતાં પિતા ચંદુભાઈ કલાસવા અને પુત્ર દિવ્યેશ કલાસવા પોતાનું કામ પતાવી રાત્રે પરત ફરી રહ્યા હતા. ત્યારે ભેંસાણ ચોકડી પાસે કારચાલકે હડફેટે લીધા હતા. જેમાં પિતા અને પુત્ર બન્ને ને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પિતા ચંદુભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જો કે આ ગંભીર અકસ્માત સર્જી કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે પ્લાસ્ટિક પાઈપના કારખાનાના માલિક હેમંતભાઈ પરસોત્તમભાઈ પાઘડાર (ઉ.વ.૪૦, રહે. દોલતપરા એકતા એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦૩વાળા)એ બોલેરો ગાડી નં.જી.જે.૧૧ બીએચ-૩૩૩૬ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.બી.ડોબરિયા ચલાવી રહ્યા છે.