(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૭
શહેરના ચોખંડી નાની શાકમાર્કેટ પાસે સોમવારની રાત્રે બાઈક પર બેસવા જતાં યુવાન પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બે બુકાનીધારી હત્યારાઓએ હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. આ બનાવ અંગે વાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાડી સોનીપોળમાં રહેતો કમલેશ અંબાલાલ ખારવા સાયકલ રીપેરીંગનો કામ કરતો હતો. સોમવારે રાત્રે દુકાન બંધ કરી ચોખંડી નાની શાકમાર્કેટ પાસે પોતાની બાઈક પર બેસવા જતો હતો તે વખતે અચાનક બુકાનીધારી બે અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયાર સાથે આવ્યા હતાં. અને કમલેશ ખારવા કંઈ સમજે તે પહેલાં આ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બંને બુકાનીધારી હુમલાખોરો સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતાં. આ હત્યાને પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ વાડી પોલીસને થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ખુનનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસનો અનુમાન છે કે આ હત્યા પ્રેમ પ્રકરણ કે જુની અદાવતને કારણે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.