ભૂજ,તા.૪
આજે ઝડપી યુગમાં કોઈને કોઈના માટે સમય નથી ત્યારે ભૂજની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અશોકભાઈ રબારી નામના યુવાને કચેરી સંકુલમાંથી મળી આવેલી કિંમતી પાકિટ મૂળ માલિકની શોધખોળ કરીને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડયું હતું.
ભૂજ મામલતદાર કચેરીમાં ક્રિમીનલ શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ રબારીને કચેરી સંકુલમાં એક બાઈક ઉપર પડેલુ પાકિટ મળ્યું હતું. જેમાં રોકડ રકમ ઉપરાંત સહી કરેલા કિંમતી ચેક વગેરે પણ હતા. ચેક ઉપરના નામ ઉપરથી અશોકભાઈએ શોધખોળ કરી આ પાકિટ તેના મૂળ માલિક એવા જયંતિભાઈ વાસાણીને પરત કર્યું હતું. જયંતિભાઈ વાસાણીએ આ કર્મચારીના કાર્ય બદલ આભાર વ્યકત કરી પ્રમાણિકતાને બિરદાવી હતી.