(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૦
આણંદ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોંલકીનાં સમર્થનમાં બોરસદ વિધાનસભા મત વિસ્તારનાં યુવા કાર્યકરોએ બાઈક રેલી કાઢી હતી અને બોરસદ તાલુકાનાં વિવિધ ગામોમાં રેલી જતા સ્થાનિક ગ્રામજનો દ્વારા રેલીને ભારે જનસમર્થન પ્રાપ્ત થયું હતું.
બોરસદ શહેરમાંથી આજે જંગી બાઈક રેલીનો પ્રારંભ થતા ભરતસિંહ સોલંકીના સમર્થનમાં યુવાનો ઉમટી પડ્યા હતા અને આ બાઈક રેલી બોરસદ વિધાનસભા મત વિસ્તારનાં વિવિધ ગામોમાં જતા સ્થાનિક લોકો દ્વારા બાઈક રેલીનું સ્વાગત કરી જનસમર્થન કર્યું હતું. આ રેલીમાં આણંદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નટવરસિંહ મહિડા પણ જોડાયા હતા, બોરસદ વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં વિશાળ બાઈક રેલીના કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ થઈ ગયેલો જોવા મળતો હતો અને રેલીમાં જોડાયેલા કાર્યકરો દ્વારા આપણો સાંસદ તો આપણે સૌ સાંસદના નારાઓ લગાવ્યા હતા અને ભરતસિંહ સોલંકીને જનસમર્થન આપ્યું હતું.
આ અંગે ભરતસિંહ સોંલકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સર્વધર્મ અને ભાઈચારો તેમજ ગરીબો અને મધ્યમવર્ગીય લોકો તેમજ છેવાડાના વંચિતોના ઉત્થાનની વિચારધારાને વરેલી છે. ત્યારે સમગ્ર મત વિસ્તારના લોકો દ્વારા તેઓને જનસમર્થન મળી રહ્યું હોઈ આ વખતે લોકોના આશિર્વાદથી કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું હતું.