(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
માતા સાથે મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા યુવતીને પાછળથી ઓવર સ્પીડમાં આવેલા યુવકે ઉડાવી દેતાં યુવતી ૩૦૦ ફૂટ દૂર ફંગોળાઈને ખાડીમાં પડી હતી જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કડોદગામ નાગર ફળિયામાં રહેતા અને ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જયેન્દ્ર દેસાઈની ૧૪ વર્ષીય પુત્રી જાનવી ધો.૯માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે જાનવી માતા મીનાબેન સાથે સિંગોધ ગામે આવેલ ભવાની માતાના મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યાંથી બંને માતા-પુત્રીઓ ઢળતી સાંજે ઘરે આવવા નિકળ્યા હતા તે દરમિયાન પાછળથી વિવેક ચેતન હળપતિ (રહે.સિંગોદગામ ડેરી ફળિયું, બારડોલી) ગફલતભરી અને પૂરઝડપે પોતાની એફ.ઝેડ. સ્પોર્ટસ બાઈક લઈને આવી જાનવીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કહેવાય છે કે બાઈકની ફૂલ સ્પીડ હોવાથી બાઈકની ટક્કરથી જાનવી ઘટનાસ્થળેથી ૩૦૦ ફૂટના અંતરે આવેલી ખાડીમાં ફંગોળાઈ હતી. જેથી જાનવીને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ બાઈકચાલક વિવેક હળપતિ પણ શરીરે ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેના પણ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા અને તેની સાથે બાઈક પાછળ બેસેલો ઉમેશ પણ ઈજાગ્રસ્ત થયો છે. બનાવ અંગે બારડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાઈકની ટક્કરે કિશોરી ૩૦૦ ફૂટ ફંગોળાઈ યુવતી અને બાઈકચાલકનું મોત

Recent Comments