(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૨
શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલીન્ડર ભરેલા ટેમ્પા ચાલકે સિંગ્નલ તોડતા ટેમ્પોની અડફેટે આવી ગયેલો બાઇક ચાલકનાં હેલ્મેટનાં ફુરચા ઉંડી ગયા હતા અને ટેમ્પોની અડફેટે આવી ગયેલી બાઇક ૨૦ ફુટ જેટલી દુર ઘસડાઇ હતી. ઇજાગ્રસ્ત બાઇક સવાર યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કરજણનાં વેમાલી ગામનો યુવાન ડભોઇ રોડ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ઘરે જઇ રહ્યો હતો.પ્રાપ્ત થતી વિગત અનુસાર કરજણ તાલુકાના વેમાલી ગામ ખાતે રહેતાં ૪૦ વર્ષીય ધીરજ હરસનભાઇ પરમાર વડોદરાના ડભોઇ રોડ વિસ્તારના આયોજીત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા વડોદરા આવ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવી તે પરત ઘરે જઇ રહ્યાં હતા. દરમિયાન સોમા તળાવ ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવતા ગેસ સિલીન્ડર ભરેલા ટેમ્પોએ સિગ્નલ તોડી ધીરજભાઇની બાઇકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં પટકાયેલા ધીરજભાઇ પરમાર ૨૦ ફુટ જેટલા દુર ઘસડાયા હતા. જેમાં તેમણે પહેરેલા હેલ્મેટનાં ફુરચે ફુરચા ઉંડી ગયા હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ત્યાંથી ભાગી છુટયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધીરજભાઇને દોડી આવેલા લોકોએ તાત્કાલીક સારવાર અર્થે નજીકનાં દવાખાને ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે દોડી આવેલી પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં ટેમ્પોની અડફેટે બાઈકચાલકનું મોત

Recent Comments