(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૯
એક કલાકના સમયગાળા દરમ્યાન બે મહિલાના અછોડા લૂંટી લઇ બાઈકર્સ ગેંગ ફરાર થઇ હોવાના બનાવ પોલીસ દફતરે નોંધાયા હતા.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર માંજલપુર લાલબાગ પાસે ગજાનંદ સોસાયટીમાં રહેતા ડો.શચી પટેલ ટેન્ડીસ્ટની પ્રેકટીશ કરે છે. સાંજના સમયે એકટીવા પર સાસુને બેસાડી પુત્ર વધુ શચી પટેલ રવાના થયા હતા. ત્રિશા ગેલેરીમાં કપડા પસંદ નહી પડતા સાસુ પુત્ર વધુ ત્યાંથી બહાર નિકળી અન્ય સ્થળે જવા એકટીવા સ્ટાર્ટ કરી હતી. ચકલી સર્કલ નજીકથી પસાર થતા એકટીવા ચાલક મહિલા તબીબ પાસે અચાનક અજાણ્યો બાઇક ચાલક ધસી આવ્યો હતો.
એકટીવાને આંતરી લેતા મહિલા તબીબે એકટીવાને બ્રેક મારી હતી. પૂર્વાયોજીત મનસુબા સાથે ત્રાટકેલી અજાણ્યા ગઠીયાએ સ્વાતિબેન પટેલના ગળામાંથી રૂા.૨૦ હજારની સોનાની ચેઇન લૂંટી લઇ અજાણ્યો ગઠીયો પલ્સર બાઇક હંકારી ફરાર થઇ ગયો હતો. અજાણ્યા બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાના કારણે તેનો ચહેરો જોઇ શકાયો ન હતો. ગોત્રી પોલીસ મથકે લૂંટના બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજા બનાવમાં માંજલપુર પુનમ બંગલોમાં રહેતા કુમુદબેન ખારવા તેમના પતિ સાથે સ્કુટી પર બેસી વ્રજધામ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી ખારવા દંપતિ સ્કુટી પર પરત ઘરે જવા રવાના થયું હતું. કબીર મંદિર પાસેથી પસાર થતી સ્કુટી સવાર દંપતિનો ફિલ્મીઢબે પીછો કરી અજાણ્યો બાઇક ચાલક ધસી આવ્યો હતો. એક સ્કુટીની પાછળ બેઠેલા કુમુદબેન ખારવાના ગળામાંથી રૂા.૨૫ હજારની કિંમતનો સોનાનો અછોડો તોડી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.