(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરતના હજીરા વિસ્તારની ઓએનજીસી કપંનીના મુખ્ય ગેટ પાસે ગત પાંચ દિવસ પહેલા નશામાં ધૂત જેગુઆર કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી ઉડાવી દીધો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધર્મરાજ પાસવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં આજ રોજ મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાટપોર ગામ ખાતે રહેતા ધર્મરાજ ઉર્ફે રાજકુમાર પાસવાન (ઉ.વ.૨૨) અને મિત્ર રમેશ કુમાર છેદીલાલ બિંદ (ઉ.વ.૨૨) સાથે કામ કરતા હતા. ગત તા.૧૪મીએ બંને બાઇક ઉપર મગદલ્લા ગયા હતા અને ત્યાંથી ચિકન લઇને પરત રૂમ ઉપર આવતા હતા. બંને બાઇક પર ઓએનજીસી કંપનીના ગેટ પાસેથી પસાર થતા હતા. ત્યારે બેફામ રીતે હંકારી આવેલ જેગુઆર કાર (જી.જે.-૦૫-જે.ઇ.-૪૧૨૦) ચાલકે પાછળથી તેમની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ધર્મરાજ ઉર્ફે રાજુકુમાર બાઇક પરથી હવામાં ઉછળીને નીચે પટકાયો હતો. જેને કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે મિત્ર રમેશને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જો કે, અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો. તે નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ દરમિયાન ધર્મરાજને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નિપજ્યું હતું. વધુમાં ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કાર ચાલક હાર્દિક ગજેરા કતારગામ વિસ્તારમાં જ્વેલરી જોબવર્કનો વ્યવસાય કરે છે. આ ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે જામીન ઉપર છૂટી ગયો હોવાનું જાણવા મળે છે.