(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૧૪
ધોળકા નજીક ધોળકા-ખેડા હાઈવે ઉપર રામપુર પાસે પતંગની દોરી બાઈક સવારના ગળામાં વાગવાથી બાઈકસવાર યુવકનું ગળુ કપાઈ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે બાઈક ઉપર બેસેલ અન્ય એક યુવકને હાથ પર ઈજા થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાલ્લા ગામે રહેતા અશોકભાઈ બચુભાઈ પંચાલ તેમના એક મિત્રની સાથે બાઈક લઈને ધોળકા ઉંધિયુ લેવા જતા હતા. ત્યારે ખેડા-ધોળકા હાઈવે પર રામપુર નજીક પતંગની દોરી બાઈકસવાર અશોકભાઈ બચુભાઈ પંચાલના ગળામાં વાગતા તેમનું ગળુ કપાઈ ગયું હતું. વધારે લોહી વહી જવાથી ઘટનાસ્થળે જ અશોકભાઈનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે સાથી બાઈકસવાર યુવકને હાથમાં ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરી હતી. ધોળકાથી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ રામપુર ધસી જઈ ઘાયલ યુવકને ધોળકા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ધોળકા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ. માટે ધોળકા સરકારી દવાખાને મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.