(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
મોદી સરકાર વિવાદિત નાગરિકતા સુધારા બિલ રજૂ કરવા તૈયારી કરી રહી છે, જે ભાજપના એજન્ડા મુજબનું છે કે, બિનમુસ્લિમો જે પાડોશી દેશોમાંથી આવેલ હોય એમને કોઈ પણ યોગ્ય દસ્તાવેજો વિના નાગરિકતા આપવી. સંસદના શિયાળા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવનાર છે. શિયાળુ સત્ર ૧૮મી નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આ સત્રના કામકાજની યાદીમાં આ બિલ મૂકયું છે. ભાજપ સરકારે એમના શાસનના ગયા કાર્યકાળમાં આ બિલ લોકસભામાં રજૂ કરી પસાર પણ કરાવ્યો હતો, પણ રાજ્યસભામાં સંખ્યા નહીં હોવાથી બિલ પસાર થયું ન હતું અને એ પછી લોકસભા ભંગ થતાં બિલ રદ્દ થઈ ગયું હતું, જે તે વખતે પણ વિરોધ પક્ષોએ બિલોનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ બિલ ધાર્મિક આધારે ભેદભાવ કરનાર છે, જે આપણા બંધારણની જોગવાઈઓ વિરૂદ્ધ છે. આ બિલમાં જોગવાઈ કરાઈ છે કે, હિંદુઓ, જૈનો, શિખો, બૌદ્ધો અને પારસીઓ જે ધાર્મિક ઉત્પીડનના લીધે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ૩૧મી ડિસેમ્બર ર૦૧૪ પહેલાં આવેલ હશે એમને નાગરિકતા આપવામાં આવશે. આ બિલનો ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એમનું કહેવું છે કે, નાગરિકતા માટેની જે છેલ્લી તારીખ આસામ સમજૂતિ મુજબ ૧૯૭૧ નિર્ધારિત કરાઈ છે, એનો સદંતર ભંગ થશે. ભાજપનું માનવું છે કે, જે દેશોમાં હિંદુઓ લઘુમતીમાં છે. એમની ઉપર અત્યાચારો કરવામાં આવે છે, જેથી એ લોકોને ભારતમાં સમાવિષ્ઠ કરવો જોઈએ.

નાગરિકતા (સુધારો) બિલ : આસામમાં વિરોધ ફાટી નીકળ્યો

આસામમાં નાગરિકતા (સુધારા) બિલ સામે વિરોધો શરૂ થઈ ગયો છે. યુવા અને વિદ્યાર્થી સંગઠનો અને આલ આસામ સ્ટુડેન્ટ્‌સ યુનિયન (એએએસયુ) અને અન્ય સંગઠનો પણ બિલનો વિરોધ કરી જણાવે છે કે, અમે આ બિલને કયારે પણ સ્વીકારીશું નહીં. શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લાવવા જઈ રહી છે. એવા સમાચારો આવતા એજેવાયસીપીએ રેલીઓ અને ધરણાઓ યોજવા જાહેરાત કરી છે. એજેવાયસીપીના સમર્થકોએ ભાજપની કેન્દ્ર અને આસામ સરકાર વિરૂદ્ધ સૂત્રો પોકાર્યા હતા. એમણે કહ્યું કે, આ આસામ વિરોધી નીતિ છે. જેનાથી મોટી સંખ્યામાંં ગેરકાયદેસર બિનમુસ્લિમો નાગરિકતા મેળવી લેશે અને અમારા રાજ્યની ભૌગોલિક અને વસ્તી વિષયક સમોતલન બગાડશે. અમારી ભાષા અને સંસ્કૃતિ લુપ્ત થશે. આસામની વસ્તી આ બિલ પસાર થયા પછી બાંગ્લાદેશીઓની સંખ્યા ૧.૯ કરોડ થઈ જશે. આ બિલના અમલથી આસામ અને ત્રિપુરાને ખૂબ જ અવળી અસર થશે, જેથી બધા પક્ષોએ વિરોધ કરવો જોઈએ. એએએસયુના અધ્યક્ષે મેઘાલય અને મિઝોરમના મુખ્યમંત્રીઓને પણ આ બિલનો વિરોધ કરવા વિનંતી કરી છે. એમણે આસામના મુખ્યમંત્રી સોનોવાલ ઉપર આક્ષેપો મૂકયા કે, રાજ્યના લોકોના હિત માટે એ કેન્દ્ર સરકાર સામે બોલવાની હિંમત ધરાવતા નથી.

શિયાળુ સત્રમાં રજૂ થનાર નાગરિકતા સુધારા બિલનો વિરોધ કરવા ઉત્તર-પૂર્વના રાજ્યોની તૈયારી

મોદી સરકારે શિયાળુ સત્રમાં નાગરિક સુધારા બિલ લાવશે. એ સમાચારો પછી ઉત્તર-પૂર્વ રાજ્યોના વિપક્ષો સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા તૈયારી કરી રહ્યા છે. શરૂઆતથી જ બિલનો વિરોધ કરી રહેલ મણીપુરમાં છેલ્લા થોડા દિવસોથી વિરોધો શરૂ થઈ ગયા છે. મણીપુરના કોંગ્રેસના ધારાસભ્ય મેઘચંદ્ર સિંઘે કહ્યું, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. અમારૂં માનવું છે કે, આ બિલ સમગ્ર ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અશાંતિ સર્જશે. સિંઘ સંમેત ૧૪ અન્ય કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો વિરોધ વ્યક્ત કરવા દિલ્હી આવશે. એમણે કહ્યું કે, અમારા રાજ્યની સીમા બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે જોડાયેલ છે. અમારી વસ્તી ખૂબ જ ઓછી છે અને જો લઘુમતી હિંદુઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવી અહીં રહેશે તો અમે પોતાના રાજ્યમાં લઘુમતીમાં આવી જઈશું. એમણે કહ્યું કે, અમે આ બિલનો વિરોધ કરવા અમારા જેવી વિચારધારા ધરાવતા પક્ષો જેમ કે, ટીએમસી, સીપીઆઈ, સીપીએમ, ડીએમકે, એસપી અને અન્ય સેક્યુલર પક્ષોને વિનંતી કરીશું કે, એ બિલનો વિરોધ કરે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ખુલ્લી રીતે બિલનો વિરોધ કર્યો છે.