(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
શહેરના મોટા વરછામાં અસહ્ય બિલોને પગલે આજે સ્થાનિકો દ્વારા ભારે આક્રોશ સાથે પાણીના બિલની હોળી કરવામાં આવી હતી. મોટા વરાછાની મોટા ભાગની સોસાયટીઓમાં પાણીના બિલો ૬૦૦ રૂપિયાથી દસ હજાર રૂપિયા સુધી આવતાં સ્થાનિકામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી મોટા વરાછાની તમામ સોસાયટીઓમાં સામાન્ય કરતા ૧૦ ગણું વધારે બિલ આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ આજે મારૂતિ ચોક ખાતે જાહેરમાં મહાનગરપાલિકાના પાણી બિગની હોળી કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ મહાનગરપાલિકાની મનસ્વી નીતિ – રીતિના વિરોધમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જળ માટે જંગ, મિટર પ્રથા બંધ સહિતના વિવિધ પ્લે કાર્ડ સાથે પહોંચેલી મહિલાઓએ મહાનગરપાલિકા પાણી વિભાગ વિરુદ્વ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી પાણીના બિલોમાં અસહ્ય વધારો થઇ રહ્યો છે. જેને કારણે રજુઆત કરવા છતાં કોઇ સમાધાન થયું નથી. હવે તો વ્યાજ સાથે પાણીના બિલની રકમ ૧૦ હજાર સુધી પહોંચી જતા મોટા ભાગના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉટ્યો છે. મોટા વરાછાના રહેવાસીઓ દ્વારા મિટર પ્રથાના વિરોધ સાથે પાણીના બિલમાં જ્યાં સુધી ઘટાડો નહીં કરવામાં આવે ત્યાં સુધી પાણીનું બિલ ભરવાનો ધરાર ઇનકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.