(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૯
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા-રાજ્યસભામાં એનઆરસી તથા સીએબી બિલ પસાર થયેલ છે, તેનો ભાવનગર કસ્બા અંજુમને ઈસ્લામ દ્વારા સખ્ત વિરોધ વ્યક્ત કરી આજરોજ ભાવનગર જિલ્લા કલેક્ટરને પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવી આ બિલ રદ્દ કરવા માગણી કરવામાં આવી હતી. આવેદનપત્રની કોપી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી.ભાવનગર કસ્બે અંજુમને ઈસ્લામના આગેવાનોએ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને રૂબરૂ મળી એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા-રાજ્યસભામાં નેશનલ રજિસ્ટાર ઓફ સિટિઝનશીપ (એનઆરસી) તથા નાગરિકતા સુધારણા બિલ (સીએબી) દેશની સંસદમાં બહુમતીના જોરે બિલ પસાર કરવામાં આવેલ છે. ધર્મના આધારે નાગરિકતા આપવાની થિયરી દેશના બંધારણ વિરૂદ્ધ છે, જે લોકો અન્ય દેશમાંથી આવ્યા છે, તેમાં ખાસ કરીને મુસ્લિમ સિવાયના તમામ હિંદુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન સૌને આ બિલથી નાગરિકતા અપાશે. ફક્ત મુસ્લિમોને તેમાંથી બાકાત રાખ્યા છે. આ બિલ બિનસાંપ્રદાયિક દેશના સિદ્ધાંતનું ભારે ઉલ્લંઘન છે. દેશની એકતા-ભાઈચારા સાથે ચેડાં થઈ રહ્યા છે. આ બિલ ભેદભાવપૂર્ણ, વિભાજનકારી અને ધર્મનિરપેક્ષ, સિદ્ધાંતો વિરૂદ્ધ છે.આ બિલ ફક્ત મુસ્લિમ સમુદાયને જ નિશાન સાંધે છે. આ ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે. દેશ પર એનઆરસી અને સીએબી બિલ બહુમતીના જોરે બળજબરીપૂર્વક લાદી દેવામાં આવ્યું છે. મુસ્લિમ સમુદાયના લોકો ન્યાયને પ્રેમ કરતા, દેશ પ્રેમી નાગરિકો છે. આપણો ભારત દેશ કોમી એકતા, ભાઈચારા અને એખલાસમાં માનનારો છે. આપણો દેશ, બિનસાંપ્રદાયિક છે, દરેક ભારતીયોને સમાનતા, સ્વતંત્રતા અને લોકશાહીની શક્તિ આપનારો ભારત દેશ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું બંધારણ નષ્ટ ન થાય, તેને નુકસાન ન પહોંચે, તે જોવાની દરેક દેશવાસીઓની ફરજ છે.
દેશની લોકસભા-રાજ્યસભામાં જે એનઆરસી તથા સીએબી બિલ પસાર થયેલ છે, તે તાકીદની અસરથી કેન્દ્ર સરકાર દ્વારા પાછું ખેંચવામાં આ અંગે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી ભાવનગર કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ મહેબૂબભાઈ શેખ, ઈકબાલભાઈ આરબ, એમ.આઈ. સોલંકી, કાળુભાઈ બેલીમ, રૂમીભાઈ શેખ, મુસ્તુફાભાઈ ખોખર, રજાક કુરેશી, હુસેનમિયા બાપુ સહિતના આગેવાનો કાર્યકરોએ ભાવનગર જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી ભારપૂર્વકની રજૂઆતો કરી હતી. આવેદનપત્રની કોપી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી. દરમિયાન આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ. ભારત દેશની ગંગા-જમના-તેજીબને નુકસાન થાય છે અને આપણા દેશની જ્ઞાતિ અને આ અંગેનું આવેદનપત્ર ભાવનગરના કલેક્ટરને શહેર ચેરમેન અનવરખાન પઠાણ, શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, પ્રદેશ આગેવાનો સાજીદભાઈ કાઝી, માઈનોરિટીના આગેવાનો વારીસખાન બલોચ, રસુલભાઈ સૈયદ, અફઝલખાન પઠાણ, રજાકભાઈ કુરેશી, ઈલ્યાસ મલેક, ઈલ્યાસ વાળુકડ, આફરી ગોગદા, તોસિફખાન પઠાણ, અનવખાન આર. પઠાણ ચેરમેન માઈનોરિટી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી અને આવેદનપત્ર પાઠવેલ.