અમદાવાદ, તા.ર૭
પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે મંગળવારે મળેલી બેઠક બાદ બુધવારે ગુજરાત સરકારે બિનઅનામત આયોગ રચવાની જાહેરાત કરી પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પાટલે મોટી ખોટની જેમ પાટીદારોને મનાવવાના પ્રયાસમાં બિન અનામત આયોગ રચવા માટે માત્ર એક સમાજની સાથે જ ચર્ચા કરી હોવાથી આ આયોગનો બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા “સવર્ણ વિકાસ આયોગ”ની રચના કરવાની જાહેરાત કરવામાં આવી તે અંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, બ્રહ્મ સમાજ દ્વારા ર૦૧પથી “બ્રહ્મ વિકાસ આયોગ”ની માગણી કરવામાં આવી હતી પરંતુ માત્ર એક જ પાટીદાર સમાજ અને એમ પણ એક જ ગ્રુપની સાથે મળીને સરકારે કુલડીમાં ગોળ ભાંગે એમ ચૂંટણીલક્ષી “સવર્ણ આયોગ” નામનો લોલીપોપ બધી જ બિનઅનામત જ્ઞાતિ સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના સવર્ણ સમાજ ઉપર થોપવામાં આવેલું આ આયોગ બ્રહ્મ સમાજને ના-મંજૂર છે, ગુજરાતમાં પ૦ % બિન અનામત વર્ગમાંથી માત્ર ૧૬% મતદાર ધરાવતા પાટીદારોના માત્ર એક જૂથને ચર્ચામાં બોલાવીને ૧૧ % બ્રાહ્મણ અને ર૩ % અન્ય એમ કુલ ૩૪ % બિનઅનામત જ્ઞાતિને હળહળતો અન્યાય કર્યો છે જે કદાપિ ચલાવી લેવામાં આવશે નહીં. માત્ર એક જ જ્ઞાતિના આગેવાનો બોલાવીને અન્ય જ્ઞાતિઓનું તૃષ્ટિકરણ કરવું એ યોગ્ય બાબત નથી. રઘવાઈ થયેલી સરકાર હવે જ્ઞાતિનો સહારો લઈને મતની રાજનીતિ રમે છે. અમદાવાદમાં તારીખ પ ઓકટોબરના રોજ સર્વ સવર્ણ સમાજના અગ્રણીઓની બેઠક મળશે જેનો મુખ્ય એજન્ડા સરકાર દ્વારા “બિન અનામત આયોગ”ની કોઈની પણ સાથે ચર્ચા કર્યા વિના જે જાહેરાત કરવામાં આવી છે તેનો આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશે તથા અન્ય આશ્રયજનક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે એમ યજ્ઞેશ દવેએ જણાવ્યું છે.