(એજન્સી) રાયપુર, તા.૧૯
સીપીઆઈ(એમ)ના નેતા બિન્દ્રા કરાતે સવાલ કર્યો હતો કે, મ્યાનમાર અને પાકિસ્તાનમાં ભેદભાવનો સામનો કરનારા રોહિંગ્યા અને અહેમદિયા મુસ્લિમોને નવા નાગરિક સુધારા કાયદામાં શા માટે સામેલ કરવામાં આવ્યા નથી, જો કેન્દ્ર સરકારને પાડોશી દેશમાં ભેદભાવનો સામનો કરનારા લોકોની આટલી જ ચિંતા હોય તો શા માટે આ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે.
બિન્દ્રા કરાતે નાગરિકતા સુધારા કાયદાને વિભાજનકારી અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ભારતનું દુર્ભાગ્ય છે કે બહારના દળો કરતા કેન્દ્ર સરકાર પોતે બંધારણને નબળું બનાવવામાં અને દેશને વિભાજિત કરવામાં વ્યસ્ત છે તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર પણ પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ૧૯પ૦માં ડૉ.બી.આર.આંબેડકરના નેતૃત્વમાં તમામ લોકોએ બંધારણનું સ્વાગત કર્યું હતું. એકમાત્ર સંઘ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકો તેને “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ” કહે છે પણ હકીકતમાં તે “રાષ્ટ્રીય સર્વનાશ સંઘ” છે.