અમદાવાદ,તા.૪
ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજના કારોબારી સભ્યોની મીટિંગ અમદાવાદ ખાતે મળી હતી. જેમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ચૂંટાયેલા કારોબારી સભ્યો હાજર હતા. આ મીટિંગમાં ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ, જનરલ સેક્રેટરી તથા ખજાનચીની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વર્ષોથી સમાજના પ્રમુખ તરીકે સેવા બજાવતા જૂનાગઢના હાજી ફરીદભાઈ આદમભાઈ દુરવેશની સંસ્થાના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સમાજમાં સમાજના સ્થાપના કાળથી સેવા આપતા અને નવ વર્ષથી સમાજના ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતા હાજી દાઉદભાઈ સીદ્દીકભાઈ ઘાંચી (ભૂજ)ની સંસ્થાના જનરલ સેક્રેટરીના પદ ઉપર વરણી કરવામાં આવી હતી. સમાજના ખજાનચી તરીકે ભાવનગર સોરઠિયા મુસ્લિમ ઘાંચી સમાજના અગ્રણી હાજી બાબુભાઈ હાજી ઈશાભાઈ લોખંડવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ સભામાં ઉના જિ. ગીરસોમનાથના અગ્રણી અને ઘાંચી સમાજના કારોબારી સભ્ય હાજી યુસુફભાઈ હાજી ગનીભાઈ તવક્કલ તરફથી ઘાંચી સમાજના વિકાસ માટે રૂા.પ૦ લાખનું દાન લાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને સર્વે સભ્યોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
અમદાવાદ ઝાલાવાડી મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ હાજી ફારૂકભાઈ ઘાંચીએ અગાઉ ગુજરાત ઘાંચી સમાજના પ્રમુખની ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી હતી. પરંતુ સભ્યોનો ઉમળકો અને હાજી ફરીદભાઈ દુરવેશની સેવાની કદર રૂપે તેમણે પોતે ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે હાજી ફરીદભાઈ દુરવેશની બિનહરીફ અને સર્વાનુમતે વરણી થાય તેમાં હર્સભેર અનુમોદન કરીને ખેલદિલી બતાવી હતી.