(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૫
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલ બિન-ખેતી પરવાનગી (એનએ) ઓનલાઈન પ્રક્રિયા સફળ રહેતા હવે આગામી લાભપાંચમ એટલે કે, તા.૧ર નવેમ્બરથી રાજ્યમાં બિન-ખેતી પરવાનગી-એનએ પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. પ્રથમ તબક્કે તમામ કલેક્ટર કચેરીઓમાં અને તે બાદ આગામી મહિનાથી જિલ્લા પંચાયતોમાં પણ ઓનલાઈન એનએ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિન ૧પ-ઓગસ્ટે બિન-ખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઈન કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે ગત ર૩ ઓગસ્ટથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવી ઓનલાઈન એનએ પ્રક્રિયાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ બેય જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં ૧૦૦૦ જેટલી અરજીઓ ઓનલાઈન મળવાની સફળતાને પગલે હવે આગામી લાભપાંચમથી સમગ્ર રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીઓમાં બિન-ખેતી પરવાનગી-એનએ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે આ ઓનલાઈન એનએ પ્રક્રિયાનું મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. હવે બિન-ખેતી પરવાનગી એનએની પ્રક્રિયા ઓનલાઈન થતાં અગાઉની જટિલ અને વિલંબકારી પ્રક્રિયામાં ઝડપ અને સરળતા આવતા નાગરિકોને પારદર્શી પદ્ધતિએ ઝડપથી ઓનલાઈન એનએ પરવાનગી મળતી થશે. આ સાથે રાજ્યની બધી જ જિલ્લા પંચાયતોમાં પણ આગામી મહિનાથી બિન-ખેતી પરવાનગી-એનએ પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ણય કરાયો છે.

ઓનલાઈન-NA પ્રક્રિયાની ઝલક

• અરજદારે માત્ર અરજી અને સોગંદનામું ઓનલાઈન અપલોડ કરવાનું છે.
• અરજી સાથે કોઈ પુરાવા, ૭/૧ર, હક્ક પત્રક, ઝોનિંગ, એફ-ફોર્મ, હુકમો રજૂ કરવાના નથી.
• અરજી ફી (પ્રતિ ચો.મી. પ૦ પૈસા) ઓનલાઈન પેમેન્ટથી ભરી શકાશે.
• ખાસ જરૂરિયાતના કિસ્સામાં જ અને તે પણ ઓનલાઈન જ અભિપ્રાય મંગાવવામાં આવશે.
• કેસની વિગતો માટે આઈઆરસીએમએસ (ઈન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ) પરથી જ ઓનલાઈન ડેટા મેળવાશે.
• અરજી સ્વીકાર, અરજી ફી ભર્યા સમયે, મંજૂર/નામંજૂરના કિસ્સામાં એસએમએસ અને ઈ-મેઈલથી અરજદારોને જાણ થશે.
• અરજી માત્ર ૩ ટેબલ પર જશે. (ઓનલાઈન)-ચિટનિશ-અધિક નિવાસી કલેક્ટર-કલેક્ટર
• જો કોઈ કેસ ન હોય અને ટાઈટલ ક્લિયર હોય તો મહત્તમ ૧૦ દિવસમાં બિનખેતી પરવાનગી મળશે. (ગ્રીન ચેનલ)
• ખાસ કિસ્સામાં અભિપ્રાય મેળવવાનો થતો હોય તો મહત્તમ ૩૦ દિવસમાં નિર્ણય થશે. (યલો ચેનલ)
• સરકારી જમીન, સરકારનું હિત સમાયેલું જણાય અને મલ્ટીપલ પ્રોેસિડિંગવાળા કિસ્સામાં કાયદા મુજબ મહત્તમ ૯૦ દિવસમાં નિર્ણય થશે.
• રૂપાંતર કર, વિશેષધારો, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વગેરે ઓનલાઈન ઈ-પેમેન્ટથી જ ભરી શકાશે.