(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
પશ્ચિમ બંગાળમાં યોજાનારી પંચાયતની આગામી ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને પરાજિત કરવા માટે નાદિયા જિલ્લામાં પાયાના સ્તરે કટ્ટર હરીફો ભાજપ અને સીપીઆઇ (એમ)એ હાથ મિલાવ્યા છે. એટલું જ નહીં, કેટલાક સ્થળોએ કોંગ્રેસે પણ બિનસત્તાવાર રીતે સંકલન કરવાનું શરુ કર્યું છે. ત્રણે પક્ષો વચ્ચે બેઠકો અંગે ગુપ્ત સમજૂતી થઇ છે. સીપીઆઇ (એમ)ના જિલ્લા સ્તરના નેતાએ આને ઔપચારિક બેઠક વહેંચણીની ગોઠવણ ગણાવીને જણાવ્યું કે ઘણા ગ્રામજનો ટીએમસી સામે સીધીે લડાઇ કરવા માગતા હોવાથી ઘણી બેઠકો માટે પક્ષે બેઠકની ગોઠવણ કરવાનું પસંદ કર્યું છે. સીપીઆ્રૂએમ)ની વિચારસરણી ભાજપ કરતાં સંપૂર્ણપણે વિરુદ્ધની છે. સીપીઆઇ (એમ) કેસરિયા પક્ષને ‘ભાગલાવાદી બળ’ તરીકે ગણાવવાનું ક્યારેય કોઇ તક ચુક્યો નથી. પાયાના સ્તરે અસ્તિત્વની લડાઇ ચાલી રહી હોવાથી રાજકીય વિચારસણીને નેવે મૂકી દેવામાં આવી છે. સીપીઆઇ (એમ) જ નહીં, કેટલાક સ્થળોએ કોંગ્રેસે પણ ભાજપ અને સીપીઆઇ (એમ) સાથે હાથ મિલાવ્યા છે. ભાજપના નાદિયા જિલ્લાના પ્રમુખ જગન્નાથ સરકારે જણાવ્યું કે અમારી વિરોધ રેલીઓમાં સીપીઆઇ (એમ) અને કોંગ્રેસના કાર્યકરો તેમ જ સ્થાનિક નેતાઓને પણ જોઇ શકાય છે.
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ટીએમસીની કથિત હિંસા સામે નાદિયા જિલ્લાના કરીમપુર-રાનાઘાટ વિસ્તારમાં બંને પક્ષોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં એક સંયુક્ત વિરોધ રેલીનું આયોજન કર્યું હતું ત્યારે બંનેની મૈત્રી બહાર આવી હતી. બુર્દવાન, પૂર્વ અને પશ્ચિમ મિદનાપોર જિલ્લા ઉપરાંત નાદિયા અને કરીમપુર, તેહટ્ટા, રાનાઘાટ અને નાદિયાના મહિસબાથન જેવા અન્ય વિસ્તારોમાં પણ બિનસત્તાવાર જોડાણ કરવામાં આવી રહ્યું છે. દાખલા તરીકે કરીમપુર બ્લોકની ૧૪૪ ગ્રામ પંચાયત બેઠકોમાંથી ૩૭ બેઠક પર ભાજપે તેના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. રસપ્રદ રીતે આ બેઠકોમાં સીપીઆઇ (એમ) અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ બેઠકો માટે ભાજપ સાથે સમજૂતી થઇ છે.