(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલીવાર ઉભી કરાયેલી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)ના હોદ્દા પર ૩૧મી ડિસેમ્બરે મંગળવારે નિવૃત્ત થઇ રહેલા ભૂમિ દળના વર્તમાન અધ્યક્ષ જનરલ બિપીન રાવતની નિયુક્તિ કરવામાં આવી હોવાની માહિતી કેન્દ્રીય પ્રધાન કૃષ્ણપાલ ગુર્જરે આપી છે. તેમણે જણાવ્યું કે દેશની સુરક્ષા મજબૂત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે અને જનરલ બિપિન રાવતને સીડીએસ નિયુક્ત કર્યા છે. જનરલ રાવત હવે પાયદળ, હવાઇદળ અને નોકાદળ એમ સેનાની ત્રણેય પાંખોની કમાન સંભાળશે. સેનાઅધ્યક્ષ જનરલ રાવત વય મર્યાદાને કારણે ૩૧મી ડિસેમ્બરે નિવૃત થાય તે પહેલા આજે સોમવારે કેન્દ્ર સરકા દ્વારા તેમની નવી નિમણૂંક પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ સાથે જ તેઓ ૬૫ વર્ષની વય સુધી પદભાર સંભાળી શકે તેના માટે કાયદામાં સુધારો કરીને નવી જોગવાઇ પણ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના સ્થાને મનોજ મુકુંદ નરવાણે નવા સેના અધ્યક્ષનું પદ સંભાળશે. સીડીએસની જવાબદાર ત્રણે સેનાઓ સાથે સંબંધિત મામલાઓમાં સંરક્ષણ પ્રધાનને સલાહ આપવાની છે. સીડીએસ જ સંરક્ષણ પ્રધાનના સૈન્ય સલાહકાર હશે. મોદી સરકારના ગુડબુકમાં રહેલા જનરલ રાવત તાજેતરમાં જ નાગરિકતા કાયદા સામેના આંદોલન અંગે નેતાગીરીના મામલે ટીપ્પણી કરીને વિરોધ પક્ષોની આલોચનાના શિકાર બનીને વિવાદમાં આવ્યાં હતા. તેમના કાર્યકાળ દરમ્યાન જ પુલવામાની આતંકી હુમલાની ઘટના બની હતી. નવા કાર્યભાર બાદ તેઓ સંરક્ષણ સચિવની મંજૂરી વગર જ સીધા સંરક્ષણ મંત્રીને મળી શકે તેવી સત્તા પણ તેમને આપવામાં આવી છે. તેમનું આ પદ ‘ફોર સ્ટાર’ જનરલની સમકક્ષ હશે અને તેઓ તમામ સેનાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાવતને સીડીએસ બનાવવાની ગણતરી અગાઉથી જ સરકારમાં હાથ ધરાઈ હતી. કેમ કે, ૧૫ ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ બનાવવાની જાહેરાત કરી હતી. આ પદ પર સેનાના સૌથી વરિષ્ઠ અધિકારીની નિમણૂક થવાની હતી, જેમાં આખરે રાવત પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. નોંધનીય છે કે રાવત નિવૃત્તિ પછી પણ લશ્કરી ક્ષેત્રે સેવા આપી શકે તેના માટે સંરક્ષણ મંત્રાલયે સેનાના નિયમો, ૧૯૫૪માં કાર્યકાળ અને સેવાના નિયમોમાં સુધારા કર્યા છે. મંત્રાલયે ૨૮મી ડિસેમ્બરના રોજ પોતાના જાહેરનામામાં કહ્યું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કે ટ્રાઇ-સર્વિસીસ પ્રમુખ ૬૫ વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર જો જરૂરી સમજે તો જાહેર હિતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સેવાનો વિસ્તાર કરી શકે છે અથવા ટૂંકાવી શકશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારી આપ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના રિટાયર થવા માટેની ઉંમર ૬૫ વર્ષ નક્કી કરવામાં આવી છે. હવેથી ૬૫ વર્ષ પૂર્ણ થાય તે પછી જ આ પદ પરથી ચીફ ઓફ ડિફેન્સ રિટાયર થઈ શકશે. અગાઉ અધિકારીઓ ૬૨ વર્ષમાં જ રિટાયર થઈ જતા હતા. પ્રથમ વખત દેશ ના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનનાર જનરલ રાવતે, ડિસેમ્બર ૧૯૭૮ માં ૧૧મી ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાં આઇએમએ- દેહરાદૂનથી કાર્યભાર સંભાળ્યો હતો. રાવતે ઈન્ફન્ટ્રી બટાલિયન, નેશનલ રાઇફલ સેક્ટર, કાશ્મીર ખીણનો પાયદળ વિભાગ અને પૂર્વી ક્ષેત્રના વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે ઉત્તર-પૂર્વમાં કોર્પ્સની કમાન્ડ સંભાળી હતી. આ ઉપરાંત, તેમણે ડેમોક્રેટિક રિપબ્લિક કન્ટ્રી ઓફ કોંગો (મોન્યુસી) ના ચેપ્ટર સેવન મિશનના મલ્ટિનેશનલ બ્રિગેડમાં પણ સેવાઓ આપી છે.