(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેશનલ રજિસ્ટર ઓફ સર્ટિફિકેશન(એનઆરસી)ને સમગ્ર દેશમાં લાગુ કરવા અંગેના નિવેદન સામે દિલ્હી લઘુમતી પંચના ચેરમેન ડૉ. ઝફરૂલ ઇસ્લામ ખાને સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, એનઆરસી જેવી બાબતો માત્ર સામાન્ય લોકોને હેરાન કરવા માટે છે. શું ખુદ અમિત શાહ અને પીએમ મોદી પોતાના બર્થ સર્ટિફિકેટ દેખાડી શકે છે ? દિલ્હી લઘુમતી કમિશનના ચેરમેન ડૉક્ટર જફરૂલ ઇસ્લામ ખાને દેશભરમાં અમિત શાહના એનઆરસી લાગુ કરવાના નિવેદન અંગે કહ્યું કે, ભાજપના નેતાઓ જ્યારે કોઇ વાત કરે ત્યારે તેમની નજીક એવી બધી બાબતો હોય છે કે કેવી રીતે લોકોને સંપ્રદાયમાં વહેંચી દેવા તથા કેવી રીતે પોતાની મતબેંક બનાવવી, કેવી રીતે ધ્રુવિકરણ કરવામાં આવે તેના પર જ ધ્યાન હોય છે. જે બાબત તેમણે આસામમાં લાગુ કરી હતી તેમાં તેઓ નિષ્ફળ ગયા છે. તેઓ પોતે જ મુંઝવણમાં મુકાયા છે છતાં સમગ્ર ભારતમાં એનઆરસી લાગુ કરવાની વાતો કરી રહ્યા છે આનાથી માત્ર લોકોની હેરાનગતિ જ થશે.
ડૉ. ખાને જણાવ્યું કે, જે લોકો સેંકડો વર્ષોથી અને હજારો વર્ષોથી અહીં રહે છે તેઓ બધા હેરાન થશે. ખાસ કરીને આ દેશમાં જ્યાં દસ્તાવેજો રાખવાની કોઇ રીત નથી. તેમણે સવાલ કર્યો અને કહ્યું કે, શું ખુદ અમિત શાહ પાસે બર્થ સર્ટિફિકેટ છે જો હોય તો અમને બધાને દેખાડે. આવી વસ્તુઓ જે તેમની પાસે પણ નથી. તેમના પરિવાર પાસે પણ નથી જે તેઓ સામાન્ય લોકો પાસે માગી રહ્યા છે જેની લોકોને ખબર જ નથી. તેમણે એમ પણ કહ્યું કે, લોકા અત્યારે ૧૦-૧૫ દિવસથી આ બાબતોને લઇને જાગૃત થવા લાગ્યા છે અને એવા લોકો છે જેઓ ફક્ત શહેરોમાં રહે છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે એનઆરસીની પ્રક્રિયા માત્ર લોકોની હેરાનગતિ કરવા માટે જ છે. ડૉ. ખાને કહ્યું કે, અમિત શાહે તમામ રાજ્યોને આશરે એક-દોઢ મહિના પહેલા જ કહ્યું હતું કે, તમે ડિટેન્શન સેન્ટર બનાવો, અહીં જફરૂલ ઇસ્લામે ભય વ્યક્ત કર્યો હતો કે, વાસ્તવમાં એનઆરસીના નામે આ તૈયારી મુસ્લિમોને આ ડિટેન્શન સેન્ટરોમાં નાખવા માટે થઇ રહી છે. નેશનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેશન(એનઆરસી) દેશભરમાં લાગુ કરવા અંગે તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી અમિત શાહે આ અંગેનું નિવેદન જારી કરતા કહ્યું હતું કે, તેઓ એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરશે તેઓ આ દેશમાં રહેતા બહારના તત્વોને કાઢીને દેશ બહાર કરીને જ રહેશે. ગૃહમંત્રીના આ નિવેદન બાદ દેશભરમાં ખાસ કરીને લઘુમતી સમુદાયમાં ઉચાટનો માહોલ છે અને લોકોએ એવા ભય વ્યક્ત કર્યા છે કે, આવનારા સમયમાં તેમને એનઆરસીના નામે પરેશાન કરવામાં આવી શકે છે.

સત્તામાં આવીશું તો પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ ઘૂસણખોરોથી છૂટકારો અપાવવા NRC લાગુ કરીશું : ભાજપ

ભાજપના પશ્ચિમ બંગાળના એકમે જણાવ્યું છે કે, પાર્ટીને એવા મોત સાથે કોઇ સંબંધ નથી જે કથિત રીતે એવા ભયથી થયા છે કે રાજ્યમાં એનઆરસી લાગુ કરી શકાય છે. ભાજપ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે, ડેંગ્યુથી થયેલા મોતોને પણ એનઆરસીને લઇને ભયથી થયેલા મોત ગણાવાઇ રહ્યા છે. ઘોષે જોકે, કહ્યું કે, જો તેઓ સત્તામાં આવશે તો બાંગ્લાદેેશી ઘૂસણખોરોથી છૂટકારો અપાવવા માટે રાજ્યમાં એનઆરસી લાગુ કરશે. અહેવાલો અનુસાર તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે એનઆરસીને લઇને કોઇ ભય પેદા નથી કર્યો. અમને જવાબદાર ઠેરવવા અયોગ્ય છે. આસામમાં ભાજપે એનઆરસી લાગુ નથી કરી. આ બધુ સર્વોચ્ચ અદાલતના આદેશથી લાગુ થયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે ભાજપ પર એનઆરસીને લઇ ભય પેદા કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, આના પગલે રાજ્યમાં આઠ લોકોના મોત થયા છે.

પશ્ચિમ બંગાળમાંNRCને લઇ લોકો ભયભીત, અત્યારસુધી આઠનાં મોત

એનઆરસી લાગુ થવાના ભયને કારણે કોલકાતા અને પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં સેંકડો લોકો પોતાના જન્મના દાખલા અને જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા માટે સરકારી અને નિગમ કચેરીઓમાં દોડી ગયા હતા. જોકે, તૃણમુલ કોંગ્રેસ સરકારે કહ્યું છે કે, એનઆરસીની પરવાનગી આપવામાં આવશે નહીં. અહેવાલ અનુસાર ભાજપ શાસિત રાજ્ય આસામમાં અંતિમ એનઆરસી યાદીથી મોટી સંખ્યામાં હિંદુ બંગાળીઓના નામ બહાર રહી જવાથી લોકો વચ્ચે દહેશત ફેલાઇ ગઇ છે અને રાજ્યમાં અત્યારસુધી આઠ લોકોનાં મોત થયા છે. શહેરમાં કોલકાતા નગર નિગમ મુખ્યમથક અને અન્ય વિભાગીય કાર્યાલય તથા રાજ્યના અન્ય ભાગોમાં બીડીઓ કાર્યાલયની બહાર લાંબી કતારોમાં લોકો જમીન અને અન્ય જરૂર દસ્તાવેજો કાઢવા માટે પોતાના નંબરની રાહ જોઇ રહ્યા હતા. ૭૫ વર્ષના અજીત રેએ કહ્યું કે, હું મારો જન્મનો દાખલો લેવા માટે રાહ જોઇ રહ્યો છું કેમ કે ઘણા સમય પહેલા મારાથી ગુમ થઇ ગયો હતો. મેં સાંભળ્યું છે કે, બંગાળમાં એનઆરસી લાગુ થવા જઇ રહ્યું છે. આવા સમયે દેશના નાગરિક હોવાનું સાબિત કરવા માટે જન્મનો દાખલો જોઇશે. ૨૪ પરગણા જિલ્લાના ૨૫ વર્ષના ખાલિક મુલ્લાએ કહ્યું કે, આ દેશમાં જન્મ લેવા, મોટા થયા છતાં જો અમને વિદેશી ઘોષિત કરી દેવાય તો અમે શું કરીશું. આ દેશમાં જન્મ લેવા અંગે મારા પિતાના દસ્તાવેજ હું ક્યાંથી લાવીશ. સરકારી સૂત્રો અનુસાર અત્યારસુધી રાજ્યમાં આઠ લોકોનાં મોત થઇ ગયા છે. બે લોકોએ જુના દસ્તાવેજો ના મળતા આત્મહત્યા કરી લીધી છે અને ચાર લોકો લાઇનમાં જ બેભાન થઇને મોતને ભેટ્યા છે. કોલકાતાના વરિષ્ઠ મંત્રી ફરહદ હકીમે પત્રકારોને કહ્યું કે, અમે દરેક જગ્યાએ જઇને લોકોને ગભરાવાની જરૂર નથી તેમ સમજાવીએ છીએ. બંગાળમાં એનઆરસી લાગુ નહીં થાય. તૃણમુલ કોંગ્રેસ સરકાર આવું ક્યારેય થવા દેશે નહીં. જ્યાં સુધી રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસ સરકાર છે ત્યાં સુધી એક પણ વ્યક્તિને હાથ અડાડી શકાશે નહીં.