(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.ર૦
માંગરોળ નગરપાલિકા વિસ્તારના તમામ મુખ્ય રસ્તાઓ અત્યંત બિસ્માર અને ખરાબ હાલતમાં છે. નગરજનોને વાહનો પર તો શું પગપાળા ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે તેને વહેલી તકે બનાવવા ખૂબ જરૂરી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી માંગરોળમાં ગટર યોજના વાંકે કોઈ પણ રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી.
માંગરોળ શહેરના હાર્દ સમા રસ્તાઓ જેમકે બસ સ્ટેન્ડથી બંદર ઝાપા સુધી, બસ સ્ટેન્ડથી જેલ ઝાપા સેક્રેટરીએટ ટાવર સુધી, શાપુર ઝાંપાથી કોઠલીય લિમડા ચોક, જુના બસ સ્ટેન્ડ ટાવર સુધી, કોળી વાડા રોડ, નવાપરા રોડ, લુહારવાડા રોડ, માત્રીથી જહાંગીર સ્કૂલ સુધીનો પોરબંદર રોડ, સ્વામી નારાયણ મંદીર નાગદા રોડ, લાલપુરા રોડ, મેઈન બજારનો એમ. જી. રોડ, સિરાજ રોડ, પીરમુસા રોડ, ચારા બજાર જુમ્મા મસ્જિદ રોડ, લિમડા ચોકથી જેલ ઝાપા સુધી, શિફા રોડ, અપ્સરા મંદીરથી પેરેડાઈઝ લાલબાગ રોડ, સહિત શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર ઉંડા ખાડાઓ અને બિસ્માર હાલત છે. જેથી તેમાથી ઉડતી ધૂળની ડમરીઓથી રાહદારીઓ અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તો વળી ભંગાર રસ્તાને લઈ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં તેમજ બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલ વેઠવી પડે છે.
ઉપરોકત તમામ રસ્તા બનાવવા માટેની સઘળી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોવા છતાં માંગરોળ શહેરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ગટર યોજનાના બહાના હેઠળ રસ્તાઓ બનાવવા માટે સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. આમ શહેરના વિકાસમાં તથા પ્રજાની સુવિધામાં અવરોધ ઊભો થયો છે.માંગરોળ નગરપાલિકાના શાસકો દ્વારા ૨૦૧૬મા શહેરના દરેક રસ્તાઓ માટે જનરલ બોર્ડ દ્વારા ઠરાવો પણ કરેલા હતા. તેમજ તેની જરૂરી અન્ય તમામ પ્રક્રિયા જેમ કે, તાંત્રિક મંજૂરી, વહીવટી મંજૂરી વગેરે પણ મેળવી લીધી હતી. શહેરના દરેક વોર્ડના તમામ રસ્તાઓનો પૂર્વ શાસકો દ્વારા ૮ કરોડ રૂપિયાનો પ્રોજેકટ પણ તૈયાર કરી લીધો હતો. તેમજ બે વર્ષ અગાઉ રસ્તાઓ બનાવવા માટે ૧.૮૦ કરોડની ટેન્ડર પ્રક્રિયાની જાહેરાતો અપાઈ ગઈ હતી. જેમાં સોના સિનેમા રોડ, કાપડ બજાર રોડ, શિફા હોસ્પિટલ રોડ, મીઠીવાવ વિસ્તાર, નાગદા વિસ્તાર, ઈન્દિરાનગર, વણકરવાસ, ગુજરાતી નગર, સેક્રેટરી રોડ, બંદર રોડ, હનુમાન મંદિર રોડ, બંદર વિસ્તાર, બંદર ઝાપાથી ત્રોફા માર્કેટ રોડ, પ્રકાશ મેડિકલથી નવાપરા જતો રોડ જેવા અન્ય નાના-મોટા ખરાબ થયેલ જરૂરી રસ્તાઓનો સમાવેશ કરી લેવાયો હતો. છતાં સરકાર દ્વારા ગટર યોજનાનુ બહાનું કરી કામગીરી કરવા દેવામાં આવતી નથી. આ બાબતે કલેકટર અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતનાને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આખરે છેલ્લાં પાંચ વર્ષથી ગાજતી ગટર યોજનાનું કામ ક્યારે શરૂ કરવામાં આવશે ?
ઉપરાંત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહીરી વિકાસ યોજના યુ.પી.ડી.૭૮ ૨૦૧૬-૧૭ ની ગ્રાન્ટ હેઠળ માંગરોળ શહેરના ૧૭ રસ્તાઓના કામોની ૧૬૯.૬૪ લાખની વહીવટી મંજૂરી મળેલ છે. જેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવા અગ્ર સચિવને માંગરોળના ચાલુ ધારાસભ્ય બાબુભાઈ વાજાએ માંગ કરી હતી. અને ગટર યોજનાના વાંકે બિસ્માર બનેલા રસ્તાઓથી લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓથી માહિતગાર કરવા છતાં કોઇ કામગીરી હાથ ધરાતી નથી. ધારાસભ્યના જણાવ્યા મુજબ હવે છેલ્લે વહીવટી તંત્ર દ્વારા એવું કહેવાય છે કે માંગરોળની ગટર યોજના ૨૦૧૧નો પ્રોજેક્ટ છે. જ્યારે અત્યારે ૭ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવાથી પાલિકામા સમાવેશ થયેલા નવા વિસ્તારો રહી જશે એટલે હવે નવો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે…!!!
માંગરોળ તાલુકો વર્ષોથી કાેંગ્રેસનો ગઢ ગણાય છે ત્યારે અહીં પક્ષપાત રાખી ભાજપ સરકાર દ્વારા માંગરોળ તાલુકાના વિકાસના કામ કરવામાં આવતા નથી તેવું લોક મૂખે ચર્ચાય રહ્યું છે.