(એજન્સી)
મુરાદાબાદ, તા.ર૧
ઉલ્લેખ શરણાઈનો આવે તો મનમાં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની તસવીર ઊભરી આવે છે. જી હા, આજે ર૧ ઓગસ્ટના દિવસે જ શરણાઈના શહેનશાહે દુનિયાને અલવિદા કરી હતી. જેમના માટે શરણાઈ જિંદગીની સૌથી શ્રેષ્ઠ વસ્તુ હતી, પરંતુ ઈન્ડિયા ગેટ પર શરણાઈ વગાડવાની તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ. જે સમયે દેશ આઝાદ થયો અને લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તે સમયે હવામાં ઉસ્તાદની શરણાઈના સૂરો ગૂંજી રહ્યા હતા. ઉસ્તાદ વિશે એક રસપ્રદ જાણકારી છે કે, તેઓ શરણાઈને જ પોતાની પત્ની તરીકે જોતા હતા, સરકારે બિસ્મિલ્લાહ ખાંને ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા હતા. તેમનો જન્મ ર૧ માર્ચ ૧૯૧૬માં બિહારના ડુમરાવમાં થયો હતો અને ર૧ ઓગસ્ટ, ર૦૦૬ના રોજ તેમનું નિધન થયું હતું. બાળપણમાં જ ઉસ્તાદ પોતાના કાકાની સાથે અલીબખ્શની સાથે વારાણસી આવી ગયા હતા. તેમણે અહીં માત્ર ચૌદ વર્ષની ઉંમરે ગંગાના તટ પર શરણાઈ વગાડવાનું શરૂ કરી દીધું હતું. શરણાઈએ જ ઉસ્તાદને દેશ અને દુનિયામાં ઓળખ અપાવી, પરંતુ ઉસ્તાદે દેશની માટીને ના છોડી તેમના વતન સાથેના પ્રેમની એક ઘટનાને એવી રીતે દર્શાવવામાં આવે છે કે, એકવાર એક અમેરિકન હિન્દુસ્તાનમાં આવ્યો. ઉસ્તાદની શરણાઈ સાંભળીને તેણે ઉસ્તાદ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો કે, અમેરિકા ચાલો, અમેરિકામાં હું તમને આરામની સાથે ભરપૂર પૈસા આપીશ. ઉસ્તાદે તે અમેરિકનને પ્રશ્ન કર્યો કે, શું અમેરિકામાં ગંગા વહે છે, જવાબ મળ્યો ના. ત્યારે ઉસ્તાદે કહ્યું કે, પહેલાં ગંગાને અમેરિકા લઈ જાવ, પછી હું પણ આવીશ. અમેરિકન ઉસ્તાદની શરત સાંભળીને ચૂપ થઈ ગયો. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંને પોતાના જીવનકાળ દરમિયાન ૧૯૬૧માં પદ્મશ્રી, ૧૯૬૮માં પદ્મભૂષણ, ૧૯૮૦માં પણ પ્રદ્મ વિભૂષણ અને ર૦૦૧માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.