(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સુરત સહિત દેશભરમાં ચકચારીત બિટકોઇન પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે અગાઉ સતિષ કુંભાણી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્‌યા બાદ વધુ એક આરોપીને દિલ્હી એરપોર્ટથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીને પકડવા માટે લુક આઉટ સરકયુલર ઇશ્યુ કરવામાં આવ્યો હતો. જેને લઇને ઇન્ટરકોડ દ્વારા રેડ કોર્નર નોટિસ પબ્લીશ કરવામાં આવી હતી. પરિણામે આરોપીને અબુધાબી એરપોર્ટ પરથી એર ઇન્ડીયા ફ્‌લાઇટમાં ભારત ડિપોર્ટ કરવામાં આવતા દિલ્હી એરપોર્ટ પર સાત વાગ્યે આવતા ઈમીગ્રેશનના સંકલનમાં ધવલની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા એકાદ વર્ષથી બીટકનેક્ટ કેસમાં નાસતો ફરતો હતો.
સુરત સહિત રાજ્યભરમાં મોટાવરાછા હંસ સોસાયટી વિભાગ -૨માં રહેતો સતિષ કુરજીભાઇ કુંભાણી, આનંદ મહલ રોડ ગણેશ કૃપા સોસાયટીમાં રહેતો દિવ્યેશ મનસુખલાલ દરજી, એલ.એચ.રોડ સિધ્ધી પાર્ક સોસાયટીમાં રહેતો સુરેશ ગોવર્ધન ગોરસીયા, ઉત્રાણ સંસ્કૃતિ રેસિડેન્સીમાં રહેતો રાકેશ શામજી સવાણી અને વરાછા શીરડી ધામ સોસાયટીમાં રહેતો ધવલ વિજય માવાણીએ એકબીજાની મદદગારીથી બિટ કંપની શરૂ કરી હતી. આ ઉપરાંત બિટ કોઇન બિટ કનેકટ ડોટ કોમ અને બિટ કનેકટ એક્ષ ડોટ કોમ નામની વેબસાઇટ પર લોભામણી લલચામણી સ્કીમો મુકી લોકો પાસે બિટ કોઇનમાં રોકાણ કરાવ્યુ હતું. આમ લગભગ ૧૨.૭૦ કરોડનું રોકાણ કરાવી રાતોરાત કંપની બંધ કરી લોકોના પૈસા ચાઉં કરી નાંખ્યા હતા. બિટ કોઇન વર્ચુઅલ કરન્સી હોવાના કારણે એ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા ૨૧-૭-૨૦૧૮ના રોજ આ તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમે દિવ્યેશ, સતીષ, સુરેશ અને રાકેશની ધરપકડ કરી હતી. જયારે ધવલ માવાણી પોલીસ પકડથી દુર હતો. છેલ્લાં એક વર્ષથી નાસતા ભાગતા ધવલને પકડવા માટે સીઆઇડી ક્રાઇમે ડેઝીગન્ેટેડ કોર્ટમાંથી સીઆરપીસી ૭૦ મુજબ વોરંટ મેળવી સીઆરપીસી ૮૨ મુજબની કાર્યવાહી કરી હતી. તેમજ સીઆરપીસી ૮૩ મુજબ કાર્યવાહી કરવા કોર્ટને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધવલ માવાણા વિરૂધ્ધ લુક આઉટ સરક્યુલર ઇસ્યુ કરી તેના વિરૂધ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પબ્લીશ કરવામાં આવી હતી. જે અનુસંધાને ધવલ માવાણીને અબુધાબી એરપોર્ટ પરથી પકડી પાડી એર ઇન્ડીયા ફલાઇટમાં તા.૩૦મી જુલાઇના રોજ ડીપોર્ટ કરી તેને દિલ્હી મોકલી આપવામાં આવ્યો હતો. સવારે સાત વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઇમીગ્રેશન વિભાગના સંકલનમાં રહી ધવલ માવાણીની ધરપકડ કરવામાં આવી હતી. ધવલ બિટકનેક્ટ કંપનીમાં વેબસાઈટનો ડેવલપર તથા સપોર્ટ સિસ્ટમનું કામ કાજ સંભાળતો હતો. કંપની દ્વારા બીટકનેક્ટ, બીટકનેકશન કોઈન અને બીટકનેક્ટ એકસ નામની વેબસાઈટનું ડેવલપિંગ ધવલે કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.