અમદાવાદ,તા. ૨૮
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચકચાર જગાવનાર બિટકોઇન ખંડણી અને અપહરણ કેસમાં જેનું નામ ખૂલ્યું છે તે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગઇકાલે ફરિયાદી શૈલેષ ભટ્ટ પર આરોપ લગાવતો ખુલાસો કર્યા બાદ આજે ફરિયાદ શૈલેષ ભટ્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોટડિયાના તમામ આક્ષેપો ખોટા છે. જો કોટડિયા સાચા હોય તો મીડિયા સમક્ષ જાહેરમાં મારી સામે આવે. હું તેમના તમામ સવાલોનો જવાબ આપવા તૈયાર છું. એ વખતે દૂધનુ દૂધ અને પાણીનું પાણી થિ જશે. કોટડિયા અને શૈલેષ ભટ્ટના એકબીજા સામે આક્ષેપો કરતા ખુલાસા બાદ આરોપ-પ્રતિ આરોપનો દોર શરૂ થયો છે. બીજીબાજુ, સીઆઇડી ક્રાઇમે આજે સ્પેશ્યલ એસીબી કોર્ટે આપેલી મંજૂરી અનુસંધાનમં આ કેસના આરોપી એડવોકેટ કેતન પટેલની જેલમાં જઇ મહત્વપૂર્ણ પૂછપરછ હાથ ધરી હતી. તો, સાથે સાથે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આ કેસના સૌથી મોટા આરોપી ઉચ્ચ પોલીસ અધિકારી એવા અમરેલીના એસપી જગદીશ પટેલના ગનમેનના નિવાસસ્થાને દરોડા પાડી ત્યાંથી બે મહત્વની બેગ જપ્ત કરી હતી, જેમાં દાગીના, કેટલાક અગત્યના દસ્તાવેજ અને મોંઘીદાટ ઘડિયાળો સહિતનો મુદ્દામાલ છે. એટલું જ નહી, બિટકોઇન કેસમાં એસપી જગદીશ પટેલને અપાયેલા રૂ.૧.૩૩ કરોડની રકમ મામલે પણ સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. સીઆઇડી ક્રાઇમે આજે જેલમાં જઇ આરોપી વકીલ કેતન પટેલની હાથ ધરેલી પૂછપરછમાં પણ તપાસનીશ એજન્સીને કેટલાક મહત્વના પુરાવા અને ખૂટતી કડીઓ હાથ લાગી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, આ સમગ્ર કેસમાં જે ફરિયાદી શૈલેષ ભટ્ટે છે તે પોતે જ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે અને હું તેને ખુલ્લો પાડવા માંગું છું. શૈલેષ ભટ્ટે અગાઉ પિયૂષ પટેલ અને ધવલ પટેલને માર મારી ગોંધી રાખીને રૂ.૨૪૦ કરોડના ૨૩૦૦ બીટકોઈન પડાવી લીધા હતા. કોટડિયાના આ ચોંકાવનારા ઘટસ્ફોટને પગલે હવે બિટકોઇન કેસમાં નવો વળાંક આવ્યો હતો. કોટડિયાના આ નિવેદન સામે આજે ફરિયાદી શૈલેષ ભટ્ટે તેમને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોટડિયાના આક્ષેપોમાં કોઇ જ તથ્ય નથી. હું કોટડિયાના તમામ સવાલો કે આક્ષેપોનો જવાબ આપવા તૈયાર છું. જો કોટડિયા સાચા હોય તો તેઓ મીડિયા સમક્ષ મારી સામે જાહેરમાં આવે. હું તેમને તમામ જવાબો જાહેરમાં આપવા તૈયાર છું. આમ, બિટકોઇન કેસમાં આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર ચાલતાં મામલો વધુ ગરમાયો છે. જો કે, હવે સીઆઇડી ક્રાઇમની તપાસ પર સૌની નજર છે કારણ કે, આ કેસમાં નલિન કોટડિયાનું નામ ખુલતાં તેમની પર કયારે તપાસનીશ એજન્સી ગાળિયા કસે છે, તેની રાહ જોવાઇ રહી છે.