અમદાવાદ,તા.રર
વિવાદાસ્પદ અને ચક્ચારી બીટકોઇન ખંડણી કાંડમાં જામીન ઉપર મુક્તી પામેલા અમરેલીના બે પોલીસ કોન્સ્ટેબલોના જામીન રદ્દ કરવા માટે સીઆઇડી ક્રાઇમ દ્રારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરાઇ હોવાનું જાણવા મળે છે. આ કેસમાં કોન્સ્ટેબલો મહત્વની કડી હોવાથી, તેમની સામે મજબૂત પુરાવા હોવાથી અને તેમની સામે ગંભીર આરોપ હોવાથી આ જામીન અરજી કરાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોન્સ્ટેબલને જામીન આપવાના કારણે કેસ ઉપર અસર થાય તેમ છે તેમજ કેસ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ પણ જામીન ઉપર મુક્તી કરવા માટે અરજી કરી શકે તેમ હોવાથી સીઆઇડી દ્વારા આ પગલું લેવાયું છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ અમરેલીના ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા, અમરેલી જીલ્લા પોલીસ વડા જગદીશ પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અનંત પટેલ, ભટ્ટના ભાગીદાર શૈલેષ પાલડીયા, સુરતના વકીલ કેતન પટેલ તેમજ કોન્સ્ટેબલોએ એકબીજાના મેળાપીપણામાં કાવતરું ઘડીને ભટ્ટનું ગત ફેબ્રુઆરી મહિનામાં ગાંઘીનગર ખાતેથી અપહરણ કરીને ચિલોડા પાસેના કેશવ ફાર્મમાં ગોંધી રાખ્યા હતા. ત્યારબાદ અનંત પટેલે ભટ્ટને માર મારીને તેની પાસેથી રૂ૧૨ કરોડના બીટકોઇન પડાવી લીધા હતા. આ અંગે ભટ્ટની અરજીના આધારે સીઆઇડીએ તપાસ કરીને સૌ પહેલા બે કોન્ટેબલ બાબુ ડેર અને વિજય વાઢેર તેમજ કેતન પટેલની ધરપકડ કરી હતી. તેઓના રિમાન્ડ પુરા થતા બે કોન્સ્ટેબલોએ ગત એપ્રિલ મહિનામાં જામીન અરજી કરી હતી તે કોર્ટ દ્વારા મંજૂર કરાઇ હતી.