અમદાવાદ,તા. ૨૪
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કૌભાંડમાં મૂળ ફરિયાદી એવા કહેવાતા બિલ્ડર શૈલેષ ભટ્ટ જ મુખ્ય સૂત્રધાર આરોપી તરીકે નીકળ્યા બાદ અને શૈલેષ ભટ્ટ સહિતના ૧૦ આરોપીઓ સામે ખંડણી, અપહરણ સહિતના ગંભીર ગુનાની નવી ફરિયાદ દાખલ થયા બાદ હવે કેસના નવા ડેવલપમેન્ટમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા શૈલેષ ભટ્ટ સહિતના દસ આરોપીઓને તપાસનીશ એજન્સી સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરાયા છે. બીજીબાજુ, આ કેસમાં હવે નાસતો ફરતો શૈલેષ ભટ્ટ હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને વિદેશ ભાગી જવાની ફિરાકમાં છે, તેથી સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટને ઉઠાવવા માટે અલગ-અલગ આઠ ટીમો બનાવી દોડતી કરી છે. શૈલેષ ભટ્ટને પકડવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા દિલ્હી, મુંબઇ, ચંદીગઢ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ બિટકોઇન કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે ફરિયાદી શૈલેષ ભટ્ટનું નામ સામે આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમે તેને પણ આરોપી બનાવી ૧૦ આરોપીઓ સામે નવી ફરિયાદ નોંધી હતી. એટલું જ નહી, સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને મુંબઇના શખ્સ દિલીપ કાનાણીની ધરપકડ કરી હતી. બિટકોઇનના સમગ્ર કૌભાંડનો આંક ૧પ૦૦ કરોડથી પણ વધુ હોવાનો ચોંકાવનારો ખુલાસો સીઆઇડી ક્રાઇમે કરતાં કેસમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સીઆઇડી ક્રાઇમના ખુલાસામાં એવી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી કે, સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેના સાગરિતોએ સુરતના ધવલ માવાણીનું અપહરણ કરી રૂ.૧૫૧ કરોડના બિટકોઇન પડાવી લીધા હતા. શૈલેષ ભટ્ટ અને તેના સાગરિતોએ સુરતમાંથી પીયૂષ સાવલિયા નામની વ્યક્તિનું ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી અપહરણ કર્યું હતું અને ત્રણ દિવસ સુધી તેને એક ફાર્મહાઉસમાં ગોંધી રાખ્યો હતો. શૈલેષ ભટ્ટ આણિમંડળીએ પીયુષ સાવલિયા પાસેથી બિટકોઇન કૌભાંડ માટે ધવલ માવાણીનું સરનામું શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ મેળવ્યું હતું અને બાદમાં ધવલ માવાણીનું અપહરણ કરી તેની પાસેથી ૨૨૫૬ બિટકોઇન જેની કિંમત રૂ.૧૩૧ કરોડ થતી હતી, તે પડાવી લીધા હતા. એટલું જ નહી, આરોપીઓએ મુંબઇથી હવાલા મારફતે પણ ૪૦ કરોડથી વધુની રકમ મળી કુલ રૂ.૧૫૧ કરોડ ખંખેર્યા હતા. આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમે શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કર્યો હતો અને શૈલેશ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને મુંબઈના દિલીપ કાનાણીની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે કેસમાં નાસતા ફરતા શૈલેષ ભટ્ટ સહિત દસની ધરપકડના ચક્રો સીઆઇડી ક્રાઇમે ગતિમાન કર્યા છે.