અમદાવાદ,તા. ૨
સુરત બિટકોઈન કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે ત્યારે બીજીબાજુ હવે ચકચારભર્યા અને ખૂબ જ સંવેદનશીલ એવા આ હજારો કરોડના કૌભાંડમાં આવકવેરા વિભાગ પણ સક્રિય થયું છે. અમદાવાદ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યુ છે અને તે હવે બિટકોઈન કૌભાંડની વિગતો અને ટ્રાન્ઝેકશનોની ઝીણવટભરી તપાસ કરી રહ્યુ છે. આ માટે સુરત આવકવેરા વિભાગે મેળવેલી વિગતો અંગે પણ ચકાસણી કરી તેનો પણ આધાર લેવાઇ રહ્યો છે. બિટકોઇન કૌભાંડમાં એવી પણ માહિતી સામે આવી હતી કે, સુરતના વરાછાના ૭૦થી વધુ લોકોએ બિટકોઈન્સમાં કરોડોની કમાણી કરી હતી. સીઆઈડી ક્રાઈમે આપેલી માહિતીના આધારે તપાસ ચાલી રહી છે. હવે આ કૌભાંડનો તાર સુરતથી અમદાવાદના બાપુનગરમાં પહોંચ્યો છે. બાપુનગરમાં કેટલાક લોકો બિટકોઈનના વ્યાપાર સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યુ છે. તેથી તપાસનીશ એજન્સીની સાથે સાથે હવે બિટકોઈન કૌભાંડ મામલે અમદાવાદ આવકવેરા વિભાગ પણ હરકતમાં આવ્યુ છે અને તેણે બહુ ઝીણવટભરી તપાસ આરંભી છે. ઉલ્લેખનીય છે કે, બિટકોઈનના આ ચકચારી કૌભાંડમાં ફરિયાદી બિલ્ડર શૈલેષ ભટ્ટ જ મુખ્ય સૂત્રધાર હોવાનો અને સમગ્ર કૌભાંડ રૂ. ૧૦૦૦ કરોડનું હોવાનો ખુલાસો સીઆઈડી ક્રાઈમે કર્યો હતો. સુરતના કહેવાતા બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેના સાગરિતોએ સુરતના ધવલ માવાણીનું અપહરણ કરી રૂ.૧૪૧ કરોડના બિટકોઇન પડાવી લીધા હોવાનો ખુલાસો પણ સીઆઈડી ક્રાઈમે કર્યો હતો. શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતોએ પીયૂષ સાવલિયા નામની વ્યક્તિનું અપહરણ કરી ત્રણ દિવસ સુધી તેને ગોંધી રાખી ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું અને બાદમાં ધવલ માવાણીનું અપહરણ કરી કરોડોના બિટકોઇન પડાવી લીધા હતા. આ મામલે સીઆઈડી ક્રાઈમે શૈલેશ ભટ્ટ અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કર્યો હતો. શૈલેશ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને મુંબઈના દિલીપ કાનાણીની પણ સીઆઈડી ક્રાઈમે અગાઉ ધરપકડ કરી હતી. એ પછી તપાસનીશ એજન્સીએ બે દિવસ પહેલાં આ કૌભાંડમાં જીગ્નેશ મોરડિયા સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા.