(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
સુરત સહિત સમગ્ર દેશ-વિદેશમાં ચકચારીત બિટ-કનેક્ટ કોઈન પ્રકરણમાં સંકળાયેલા દિવ્યેશ દરજીનો સીઆઈડી ક્રાઈમ બ્રાંચ તેને અમદાવાદ લઈ ગયા બાદ હાથ ધરવામાં આવેલી પોલીસ પૂછપરછ દરમ્યાન સુરતમાં તેની સ્થાયી અને અસ્થાયી મિલ્કતો અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલીક સ્થાયી મિલ્કતો સામે પોલીસે પ્રોસીજર પણ શરૂ કરી દીધી હોવાનું સીઆઈડી ક્રાઈમના પીઆઈ નરવડેએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના બિટ કોઈન પ્રકરણમાં સંકળાયેલા દિવ્યેશ દરજીની પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરાયા બાદ સુરત કોર્ટમાં રજૂ કરી પોલીસે ૨૮મી ઓગષ્ટ સુધીના રિમાંડ મેળવ્યા હતા. રિમાંડ મેળવ્યા બાદ દિવ્યેશ દરજીને પોલીસ અમદાવાદ ખાતે લઈ ગઈ હતી. જ્યાં સમગ્ર એસઆઈટી ટીમ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં સીઆઈડી ક્રાઈમ તેની પાસેથી સુરતની મિલ્કતો તથા બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેની સામે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.