અમદાવાદ, તા.૪
બિટકોઈન કેસમાં એક પછી એક રહસ્ય પરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. ત્યારે બિટકોઈન પડાવી લેવાના કેસમાં પોલીસને ૧પ ટકા ભાગ મળવાનો હતો. તેવું સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું છે. તેમજ બિટકોઈન પડાવી લઈને તેમાંથી રૂા.૧.૩ર કરોડની રકમ અમરેલી પોલીસના ભાગમાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધાર આરોપી કિરીટ પાલડિયાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.
સીઆઈડી ક્રાઈમના જણાવ્યા મુજબ શૈલેષ ભટ્ટના બિટકોઈન પડાવી લેવાના કેસમાં અમરેલીના ડીએસપી જગદીશ પટેલ એલસીબીના પીઆઈ અનંત પટેલ, સુરતના કેતન પટેલ તથા બે પોલીસ કર્મીઓ સહિત પાંચ આોરપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જગદીશ પટેલ દ્વારા પોલીસ કસ્ટડીમાં છે.
અમરેલી પોલીસ દ્વારા શૈલેષ ભટ્ટ તથા અન્ય બે શખ્સોનું અપહરણ કરી માર મારી તેમની પાસેથી બિટકોઈન પડાવી લઈ રૂા.૩ર કરોડ જેટલી રકમનો હવાલો આંગડિયા મારફતે કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. જે અરજીની પ્રાથમિક તપાસ કરતા શૈલેષ ભટ્ટ તથા અન્ય બે શખ્સોનું અપહરણ અમરેલી પોલીસ દ્વારા થયું હોવાનું પૂરવાર થતાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
આ ગુનાની તપાસ માટે સીઆઈડી ક્રાઈમે સીટની રચના કરી હતી. સીટની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા જુદા જુદા મોબાઈલ સીમકાર્ડ વાપરવામાં આવ્યા હતા. જે તેના માટે કેશવ ફાર્મ તથા નારગામ પાટિયા ખાતેના મોબાઈલ કંપનીઓના ટાવર ડેટા મેળવી તપાસ કરતાં સમગ્ર ગુનાહિત ષડયંત્ર તથા તેમાં સંડોવાયેલા લોકોના કારણો સ્પષ્ટ થયા હતા.
આ ગુનામાં શરૂઆતમાં શૈલેષ ભટ્ટના ૧૧૦૦૦ લાઈટ કોઈન શૈલેષ ભટ્ટે કિરીટ પાલડિયાના બીનાન્સના એકાઉન્ટમાં થાપણ તરીકે રખાવ્યા હતા. આ લાઈટકોઈનને બિટકોઈનમાં તબદિલ કરતાં તે ૧૬૬ બિટકોઈન બન્યા હતા. આ ઉપરાંત અન્ય વ્યવહારો થકી શૈલેષ ભટ્ટના ૧૦ બિટકોઈન પાલડિયાના એકાઉન્ટમાં મૂકતાં શૈલેષ ભટ્ટના કુલ ૧૭૬ બિટકોઈન કિરીટ પાલડિયાના એકાઉન્ટમાં જમા થયા હતા.
આ ૧૭૬ બિટકોઈનની કિંમત આશરે રૂપિયા ૯ કરોડ ૯૬ લાખ જેટલી થતી હતી. જે પરત ન આપવા પડે તે લાલચે કિરીટ પાલડિયાએ સહ આરોપીઓ સાથે મળી, અમરેલી પોલીસ મારફતે શૈલેષ ભટ્ટનું અપહરણ કરાવી. ૧૭૬ બિટકોઈન અમરેલી પોલીસને ટ્રાન્સફર કરવાનો આભાસ ઉભો કરી તે બિટકોઈન તથા અન્ય રકમ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સમગ્ર ષડયંત્રમાં મેળવવાની થતી રકમના ૧પ ટકા અમરેલી પોલીસ ૧પ ટકા અન્ય સહઆરોપીઓ તથા ૭૦ ટકા રકમ આરોપી કિરીટ પાલડિયા વચ્ચે વહેંચવાનું નક્કી થયું હતું. આ રકમની વહેંચણીના ભાગરૂપે અપહરણ બાદ ૧૭૬ પૈકી ૩૪ બિટકોઈન વેચી પોલીસ તથા અન્ય સહઆરોપીઓ વહેંચવામાં આવ્યા હતા. ઉપરોકત ભાગ મુજબ સહઆરોપી તથા પોલીસ આરોપીઓ વચ્ચે રૂપિયાની વહેંચણીના આંગડિયા પેઢીના પુરાવાઓ તપાસ દરમ્યાન પ્રાપ્ત થયા છે.
જે સંબંધી ૧.૩ર કરોડ રૂપિયા અમરેલી પોલીસના ભાગમાં આવેલ. જેના આંગડિયા પેઢીમાં થયેલ હવાલાના પુરાવાઓ તપાસ દરમ્યાન મળ્યા છે.
ત્યારે આ સમગ્ર ષડયંત્રના કાવતરાખોર કિરીટ પાલડિયાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.

બિટકોઈન કેસમાં આરોપી કિરીટ પાલડિયાના છ દિ’ના રિમાન્ડ મંજૂર

રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર બિટકોઇન કૌભાંડમાં ધરપકડ કરાયેલા મહત્વના આરોપી કિરીટ પાલડિયાને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આજે ચુસ્ત બંદોબસ્ત સાથે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસનીશ એજન્સી તરફથી આરોપી પાલડિયાના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી, જેની સુનાવણીના અંતે સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ નીપાબહેન રાવલે આરોપી કિરીટ પાલડિયાને તા.૧૦મી મે સુધી છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો મહત્વનો હુકમ કર્યો હતો. સીઆઇડી ક્રાઇમ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરે આરોપી કિરીટ પાલડિયાના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી કિરીટ પાલડિયા આ કેસના સહઆરોપીઓ સાથે બિટકોઇનના સમગ્ર કાવતરામાં પહેલેથી સામેલ હતો અને તેની વિરૂધ્ધ ટેકનિકલ પુરાવા તપાસ દરમ્યાન પ્રાપ્ત થાય છે, તેથી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સુધી પહોંચવા પાલડિયાની પોલીસ કસ્ટડી જરૂરી છે. તા.૧૧મી ફેબ્રુઆરીએ ફરિયાદી શૈલેષ ભટ્ટના અપહરણના ગુનાને અંજામ આપવા આરોપી કિરીટ પાલડિયાની આ કેસના સહઆરોપી કેતન પટેલ, આરોપી પીઆઇ અનંત પટેલ સાથે મુલાકાતની યોજના કયારે બનાવી અને કોની મદદથી તે યોજાઇ તે સહિતની માહિતી પાલડિયા પાસેથી કઢાવવાની છે. આ સમગ્ર ગુનામાં બિટકોઇન ટ્રાન્સફર કરવા માટે ટેકનીકલ પ્રોસીઝર જરૂરી છે. જેમાં આરોપી કિરીટ પાલડિયાના જુદા જુદા એક્ષ્ચેન્જના વોલેટ, આઇડી ઓપન કરી ચેક કરવા તથા ટેકનીકલ સાધનોની મદદથી તેની ચકાસણી કરવા માટે આરોપી પાલડિયાની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જ જરૂરી છે. આ સંજોગોમાં કોર્ટે આરોપી કિરીટ પાલડિયાના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે આરોપી કિરીટ પાલડિયાના તા.૧૦મી મે સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નલીન કોટડિયાને પૂછપરછ માટે
વધુ એક સમન્સ પાઠવાશે

બિટકોઈન કેસમાં સંડોવાયેલા કિરીટ પાલડિયાની સીઆઈડી ક્રાઈમે કરી પૂછપરછમાં નલિન કોટડિયાનું નામ બહાર આવ્યું છે. ત્યારે બિટકોઈન કેસમાં હાલ તો સીઆઈડીએ ડીએસપી જગદીશ પટેલ પીઆઈ અનંત પટેલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. ત્યારે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ પણ બહાર આવ્યું છે. એટલે આ મામલે નલિન કોટડિયાની પૂછપરછ કરવી સીઆઈડી ક્રાઈમ માટે જરૂરી બની ગઈ છે. તેથી પૂછપરછ માટે નલિન કોટડિયાને વધુ એક વાર સમન્સ પાઠવવામાં આવશે સમન્સ પાઠવ્યા બાદ જો કોટડિયા હવે પૂછપરછ માટે સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર નહીં થાય તો ગમે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.