(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
સીઆઇડી ક્રાઇમની ટીમે રૂા.૧પપ કરોડના બીટ કોઇન કૌભાંડમાં વધુ ત્રણની ધરપકડ કરી હતી. આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ સહિત દસ જણાએ સાથે મળી ધવલ માવાણી અને પીયૂષ સાવલિયાનું અપહરણ કરી રૂ. ૧૫૫ કરોડના બીટ કોઈન બળજબરીથી પચાવી પાડ્‌યા હતા. આ અગે દસ સામે સીઆઈડી ક્રાઈમના સુરત એકમમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણીની ધરપકડ કરી હતી. જે બન્નેનાં બે ટુકડે મળી ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર થયા હતા. એ રિમાન્ડ પૂર્ણ થયા બાદ બન્નેને કોર્ટ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. એટલે કે નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણી હાલ લાજપોર જેલમાં છે. દરમિયાન આ ગુનાના અન્ય ત્રણ આરોપી જિજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગૌસ્વામી અને મનોજ ક્યાડા નાસતા ફરતા હતા. જે ત્રણેયની ગુરુવારે બપોરે એક વાગ્યે ધરપકડ કરી હતી. અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા શૈલેશ ભટ્ટે સીઆઈડી ક્રાઇમ અમદાવાદ ખાતે ગુનો નોંધાવ્યો હતો. જેમાં અમરેલીના તત્કાલીન પોલીસ વડા જગદીશ પટેલ (હાલ સસ્પેન્ડ), અમરેલી એલસીબીના પોઈ અનંત પટેલ (હાલ સસ્પેન્ડ) સહિત અનેકની ધરપકડ થઈ ચૂકી છે. આ જ તપાસમાં એવું ખુલ્યું કે શૈલેશ ભટ્ટે પણ બે યુવાનોનું અપહરણ કરી રૂ. ૧૫૫ કરોડના બીટ કોઈન બળજબરીથી પચાવી પાડ્‌યા છે. જેથી શૈલેશ ભટ્ટ સહિત દસ સામે સીઆઈડી ક્રાઈમના સુરત એકમમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં અત્યાર સુધીમાં પાંચ પકડાઈ ચૂક્યા છે. હજુ શૈલેશ ભટ્ટ સહિત પાંચ નાસતા ફરે છે. જે તમામને પકડી પાડવા સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમો કામે લાગી હોવાનું જાણવા મળે છે.