અમદાવાદ,તા. ૨૪
રાજયભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં આરોપી એડવોકેટ કેતન પટેલની જામીન અરજી આજે અત્રેની સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો, જેને પગલે આરોપી વકીલની મુશ્કેલીઓ વધી છે. આરોપી વકીલની કેતન પટેલ ઉર્ફે ઇકબાલની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપી કેતન પટેલની ગુનાની જગ્યાએ હાજરી બોલે છે અને સમગ્ર પ્રકરણમાં તેની સક્રિય સંડોવણી બહાર આવી છે. આરોપી વકીલના મોબાઇલ નંબરની કોલ ડિટેલ્સ જોતાં પણ ગુનાવાળી જગ્યાએ તેનું લોકેશન બતાવે છે. આ કેસના અન્ય સાહેદો સાથે આરોપી વકીલ કેતન પટેલે પોતાના મોબાઇલ નંબર પરથી રૂ.૩૨ કરોડના હવાલા સંદર્ભે કરવામાં આવેલ વાતચીત પણ સીડીઆરમાં સ્પષ્ટ થઇ છે. આરોપી કેતન પટેલની ઓળખ પરેડ દરમ્યાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનું જે સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું તે નિધિ પેટ્રોલપંપ અને રાજધાની હોટલના સીસીટીવી ફુટેજ પણ કબ્જે કરાયા છે, જેમાં આરોપી કેતન પટેલની હાજરી હોવાનું સામે આવ્યું છે. આરોપી વકીલ કેતન પટેલ દ્વારા ઉપયોગમાં લેવાયેલી એલેન્ટ્રા કાર પણ તપાસનીશ એજન્સીએ જપ્ત કરી છે. તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે, શૈેલેષ ભટ્ટ પાસેથી પડાવવાના થતા બિટકોઇનની વાત કેતન પટેલ લઇ આવ્યા હતા. ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે તેવા સમયે જો આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવામાં આવે તો કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા થવાની શકયતા સહેજપણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં કોર્ટે આરોપી વકીલ કેતન પટેલના જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી વકીલ કેતન પટેલની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.