(એજન્સી) ભૂવનેશ્વર, તા.૧૬
કોલકાતામાં વિપક્ષોની સંયુક્ત રેલીમાં ભાગ લેવાનું બીજુ જનતા દળને પસંદ નથી, તે કોંગ્રેસ અને ભાજપ બંને સામે સરખું અંતર રાખવા માંગે છે, તેમ બીજુ જનતા દળના એક નેતાએ જણાવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં શનિવારે કોલકાતામાં ટીએમસીના પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી મહારેલી યોજી વિપક્ષી એકતાનો પરિચય કરાવવા માંગે છે. ટીએમસીના સૂત્રોએ કહ્યું કે, ભાજપ વિરોધી તમામ પક્ષોને મહારેલીમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે. રેલીમાં ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકની ગેરહાજરીનો મુદ્દો રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. બીજેડીના પ્રવક્તા પી.કે. દેબએ કહ્યું કે, ર૦૦૯થી તેમનો પક્ષ કોંગ્રેસ-ભાજપ બંને સાથે બરાબર અંતર રાખે છે. મહાગઠબંધનમાં પણ તેમનો પક્ષ નહીં જોડાય. બીજેડીનો ઓડિસામાં સારો પ્રભાવ છે. ર૦૦૦ના વર્ષમાં તેણે ર૧ સાંસદો લોકસભામાં મોકલ્યા હતા. ડિસેમ્બરમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ નવીન પટનાયકને મળ્યા હતા અને પ્રાદેશિક પક્ષોને સાથે લાવવાની કોશિશ શરૂ કરી હતી. રાવનો એજન્ડા ભાજપ-કોંગ્રેસ બંને સામે બરાબર અંતર રાખવાનો છે.