અમદાવાદ, તા.૨૧
અમદાવાદ એરપોર્ટ પર પર નાગરિકો સાથે થઈ રહેલા અણછાજતા વર્તન મામલે ભાજપના જ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખીને ગૃહ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તાજેતરમાં ન્યૂજર્સીથી બોરસદનો એન.આર.આઇ પરિવાર અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેઓ કારમાં બેસીને બોરસદ આવવા નીકળ્યાં હતાં, તે દરમ્યાન જ એરપોર્ટની બહાર જ ૧ કિ.મીના અંતરે અમદાવાદની પોલીસે તેઓની કાર અટકાવીને બે કલાક સુધી રોકી રાખીને તપાસના બહાને પરેશાન કર્યા હતા. આ મામલે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખેલા પત્રમાં લખ્યું કે, મારા લોકસભા વિસ્તારના ખેડા-આણંદ જિલ્લાના અનેક પરિવારજનો વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે, ખૂબ જ મહેનત, પ્રમાણિકતાથી ગુજરાત અને દેશનું નામ રોશન કરીને વિદેશમાં પણ દેશને ગૌરવ થાય તેવું સન્માનજનક કાર્ય કરી રહ્યા છે. તેઓ માતૃભૂમિની લાગણીથી અવાર નવાર દાનનો પ્રવાહ વહેવડાવી શિક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકીય સુવિધાઓ પણ મારા મત વિસ્તારમાં ઉભી કરી છે. તેઓની સ્વદેશ યાત્રા દરમિયાન અમદાવાદ એરપોર્ટ આજુબાજુ આપના વિભાગના કર્મચારીઓ દ્વારા અણછાજતું વર્તન, ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો આપને પણ મળી છે. તાજેતરમાં વિદેશ પ્રવાસમાં હતો ત્યારે મને અનેક રજૂઆતો મળી છે. હું અંગત રીતે માનું છું કે, ગૃહ વિભાગ કાયદો અને વ્યવસ્થાથી સરકારની શિસ્તબદ્ધ આબરૂ ઉભી કરી શકે છે. પરંતુ તેના બહાના હેઠળ ગુજરાત અને દેશને લાંછન લાગે તેવું કૃત્ય ઠીક નથી. આપને મારી ખરા દિલથી વિનંતિ છે કે, આપ યોગ્ય નિર્ણય કરી, ગેરશિસ્ત, ભ્રષ્ટાચાર આચરી ગુજરાતની આન-શાનને નુકસાન કરનારા તત્વોને કાબૂમાં રાખશો તેવી આશા સાથે એમ પત્રના અંતમાં સાંસદે વધુમાં ઉમેર્યું હતું. ભાજપના જ સાંસદ દ્વારા લખાયેલ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા વ્યાપક ચર્ચા શરૂ થઈ જવા પામી છે.