(એજન્સી) તા.૧૦
આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના પશ્ચિમ બંગાળ રાજ્યના એકમે તમામ ૪ર સંસદીય મતવિસ્તારો માટે ત્રણ રથયાત્રાઓ કાઢવાની યોજના બનાવી છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે રથયાત્રાઓ ડિસેમ્બરમાં નીકળશે પણ આ અભિયાન માટે પ્રચાર દુર્ગાપૂજા બાદથી જ શરુ કરી દેવાશે. ઘોષે જણાવ્યું કે પ્રથમ રથયાત્રા બીરભૂમ જિલ્લાના મંદિર શહેર તારાપીઠથી ત્રણ ડિસેમ્બરે શરુ થશે. સંભવતઃ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ તેમાં જોડાશે. તેમણે કહ્યું કે શાહ ત્રણ યાત્રાઓમાં ભાગ લેવા માટે ઉત્સુક છે પરંતુ તેના કાર્યક્રમ નક્કી કરવા પડશે. કેન્દ્રીય મંત્રી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પણ રેલીમાં ભાગ લેશે. દિલીપ ઘોષે જણાવ્યું કે બીજી રથયાત્રા દક્ષિણ ર૪ પરગના જિલ્લાના નામખાના-ગંગાસાગરથી પાંચ ડિસેમ્બરે જોકે અંતિમ રથયાત્રા કૂચબિહારથી સાત ડિસેમ્બરે નીકળશે. પ્રત્યેક રથયાત્રામાં ૧૪ લોકસભા ક્ષેત્રોને સામેલ કરાયા છે. ઘોષે કહ્યું કે જાન્યુઆરીના અંત સુધીમાં અમે કોલકાતામાં મહારેલીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે જૂનમાં યોજાયેલી શાહની બે દિવસની બંગાળયાત્રા દરમિયાન રથયાત્રા કાઢવા અંગે નિર્ણય કરાયો હતો. શાહે પ્રદેશમાં ઓછામાં ઓછી રર સીટો જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. રથયાત્રાઓના પ્રચાર માટે નુક્કડ સભાઓ, સોશિયલ મીડિયા અને રેલીઓનું આયોજન કરવામાં આવશે. હાલ બંગાળમાં પાર્ટી પાસે બે સીટ આસનસોલ અને દાર્જિલિંગ છે.