અમદાવાદ, તા.૯
શહેરમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા સાથે કાર્યકરો, સમાજના શ્રેષ્ઠીઓને મળી તેમની સમસ્યા, પ્રશ્નો જાણવા માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘કોંગ્રેસ આપના દ્વારે’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા શહેર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યા, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે ફાઈવસ્ટાર કલ્ચરમાં ચિંતન શિબિર કરવામાં આવે છે. ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ સાથે માફિયાકરણ કર્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓ મોંઘા શિક્ષણથી પરેશાની અને હાડમારી ભોગવી રહ્યા છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવાની સાથે કાર્યકરો અને પ્રજા સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો-સમસ્યા જાણી આગામી કાર્યક્રમો, આંદોલનની રણનીતિ બનાવવામાં આવશે. નવ રાત્રિમાં રજા જાહેર કરવાની સાથે સવાર સુધી ગરબા રમવાની મંજૂરી આપવા સરકારે વિચારણા કરવી જોઈએ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરતા પહેલાં ખેડૂતોના સહકાર સાથે પૂરતું વળતર આપી લેવી જોઈએ. ફી નિયમન કાયદો માત્ર કાગળ પર જ છે. સરકાર અને સંચાલકોની ભાગીદારીના કારણે ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ ઉંચી ફી – મોંઘા શિક્ષણનો ભોગ બની રહ્યાં છે. રાજ્ય સરકાર વિદ્યાર્થી-વાલીઓની વાત સાંભળવાને બદલે માત્ર સંચાલકોની વાત સાંભળે છે. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા, પાણીની સમસ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારોનો શહેરમાં સમાવેશ કરાયો છે. ત્યાં ટેક્સ વસૂલાય છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી. તમામ સમુદાયના લોકોની અપેક્ષા પૂરી કરવા સરકાર નિષ્ફળ ગઈ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો, સિંચાઈનું પાણી સહિત જે વચનો આપ્યા હતા. તે તમામમાં વિશ્વાસઘાત કરનાર ભાજપ સરકાર પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે ચિંતન શિબિરોમાં સરકારી તિજોરીના નાણાં વેડફી રહ્યા છે.
ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરવા સાથે માફિયાકરણ પણ કર્યું

Recent Comments