ગાંધીનગર, તા.૨
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ ૪થી ૯મી સુધી કુલ મળીને પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ભાજપ આજે ૧૧ કરોડ સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. ગુજરાતમાં ભાજપના એક કરોડથી વધુ સભ્યો છે. કાર્યકર્તાઓ અમારી સંગઠનશક્તિ છે. ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક, સંવાદ, બેઠકો, કાર્યક્રમો યોજીને સંગઠનશક્તિ વધુ મજબૂત બને તે માટે સતત કાર્યરત હોય છે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ ૪, ૫ અને ૭, ૮, ૯ નવેમ્બરના રોજ એમ કુલ મળીને પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. એ બેઠકમાં જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ જિલ્લાના હોદ્દેદારો, મંડળના પ્રમુખ મહામંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન-ડિરેક્ટરો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટાયેલ પાંખ તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સંવાદ યોજશે. આગામી ચૂંટણીમાં ભાજપના ૧૫૦ના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવાની રણનીતિ વધુ અસરકારક, વધુ મજબૂત બને તે માટે અને ૫૦૧૨૮ બુથના પ્રમુખો તેમજ ૨૮૬૩૯ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જને દરેક બુથમાંથી કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી જડમૂળમાંથી ઉખાડી ફેંકવા અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ માર્ગદર્શન આપશે.