(એજન્સી)નવી દિલ્હી, તા.૧
કોંગ્રેસના ધારાસભ્ય ડી.કે. શિવકુમાર અને તેમના ભાઈ તેમજ કોંગ્રેસ સાંસદ ડી.કે. સુરેશે દાવો કર્યો હતો કે ભાજપ તેમની કનડગત માટે સીબીઆઈનો દુરૂપયોગ કરી રહી છે. ગુરૂવાર સવારે એક તાકીદની પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ નેતાઓએ આ માહિતી આપી હતી.
જનતા દળ (એસ) અને કોંગ્રેસના ધારાસભ્યોને તટસ્થ રાખવામાં અને પક્ષ પલ્ટો નહીં કરવા દેવામાં શિવકુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચાલુ માસની શરૂઆતમાં કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં ખંડિત ચુકાદો જોવા મળ્યો હતો. ત્યારબાદ ‘ક્રોસ-ટ્રેડિંગ”ના અહેવાલો વહેતા થયા હતા. પત્રકાર પરિષદમાં શિવકુમારે જણાવ્યું હતું કે, સત્તાવાર સૂત્રો પાસેથી મને એવી માહિતી મળી છે કે સીબીઆઈ મારી વિરૂદ્ધ સર્ચ વોરન્ટ બજાવવાની વેતરણમાં છે. સીબીઆઈએ સર્ચ વોરંટ માટે અરજી પણ દાખલ કરી છે અને ૧૧ વાગ્યે તેને મંજૂરી અપાશે. આ વોરંટ મારી, મારા ભાઈઓ અને અન્ય નવ સહયોગીઓ વિરૂદ્ધ છે. શિવકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની કેન્દ્રીય નેતાગીરી મારી અને મારા ભાઈની કનડગત કરી રહી છે અને અમારી પર દબાણ બનાવી રહી છે કે અમે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ જઈએ. અમે ક્યારેય આવી ધમકીઓથી ડરવાના નથી અને ક્યારેય અમે ભાજપના દબાણમાં આવીશું નહીં. અમે આ મામલે કાનૂની જંગ લડીશું. કેન્દ્રીય એજન્સીઓ એક વાત ધ્યાનમાં રાખે કે તેઓ અમારી પર રાજકીય દબાણ સર્જી શકશે નહીં.