અમદાવાદ,તા.૨૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઇ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સત્તાના મદ અને લાલચમાં છકી ગયા છે, કોંગ્રેસ અત્યારથી જ શપથવિધિના સપના જુએ છે, તો ભાજપના નેતાઓ હાર્દિક પટેલને તારા જેવા કેટલા જોઇ નાંખ્યા અને તારા જેવા કેટલાયને સીધા કરી દીધા એમ કહી અશોભનીય શબ્દો વાપરી અહંકારમાં મગ્ન બન્યા છે ત્યારે ગુજરાતના મતદારો ભાજપ-કોંગ્રેસના અહંકારને ઉતારીને લોકકલ્યાણના કાર્યો માટે હંમેશા તત્પર એવા શંકરસિંહ વાઘેલાને સત્તાનું સુકાન સોંપશે એમ જન વિકલ્પ પાર્ટીના પ્રવકતા પાર્થેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હજુ તો ૧૮૨ વિધાનસભા બેઠકોના બીજા તબક્કાની બેઠકોના ઉમેદવારીપત્રો ભરાવાનો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ જાણે કે તેની સરકાર બની ગઇ હોય એમ અત્યારથી જ શપથવિધિના સપના જોઇ રહી છે અને શપથવિધિમાં બધાને આમંત્રણ આપી રહી છે જે કોંગ્રેસનું અભિમાન દર્શાવે છે. તો આ જ પ્રકારે ભાજપના નેતાએ પણ તાજેતરમાં જ ભાજપના મંચ પરથી હાર્દિક પટેલને તુ તારી ભાષામાં તારા જેવા ઘણા જોઇ નાંખ્યા, તારા જેવા ઘણાને સીધા કરી નાંખ્યા અને કેટલાય ખોવાઇ ગયા આ પ્રકારની ભાષા પ્રયોગ કરી ભાજપના અહંકારને પ્રદર્શિત કર્યો છે. ભાજપ અને કોંગ્રેસની આવી નિમ્નસ્તરની ભાષા અને આ પ્રકારના અહંકારી વર્તન નિંદાને પાત્ર છે.